<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

એસટી વિભાગ માલામાલઃ ૧ લાખ ટિકિટનું રેકોર્ડબ્રેક એડવાન્‍સ બુકિંગ

તહેવારોને ધ્‍યાને રાખતા એસટી નિગમે રાજ્‍યમાં ૪,૦૦૦થી વધુ એક્‍સ્‍ટ્રા બસો દોડાવવાનું આયોજન

અમદાવાદ તા.૧૪:  દિવાળીના તહેવારો પહેલા ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમમાં મુસાફરોની સંખ્‍યા અને એડવાન્‍સ બુકિગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સામાન્‍ય દિવસોમાં ૬૦ થી ૭૦ હજાર ટિકિટોનું દૈનિક બુકિગ થતું હોય છે, જ્‍યારે હાલ તે વધીને એકથી દોઢ લાખ સુધી પહોંચી ગયું હતું.

સુરતથી સૌરાષ્ટ્રના વિવિધ રૂટો માટે સૌથી વધુ માંગ જોવા મળી રહી છે, જેમાં ૨૬૮ બસોનું ગ્રુપ બુકિગ થઈ ચૂક્‍યું છે અને તેનાથી નિગમને ૬૩.૧૨ લાખ રૂપિયાની વધારાની આવક મળી છે.

તહેવારોને ધ્‍યાને રાખતા એસટી નિગમે રાજ્‍યમાં ૪,૦૦૦થી વધુ એક્‍સ્‍ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે, જેમાં સુરતથી સૌરાષ્ટ્ર માટે ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

સુરત વિભાગ દ્વારા ૧૯ ઓક્‍ટોબરથી સાંજના ૪ વાગ્‍યાથી રાત્રે ૧૦ વાગ્‍યા સુધી ૧,૬૦૦ જેટલી એક્‍સ્‍ટ્રા બસો દોડાવવામાં આવશે, જે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અમદાવાદ તેમજ દાહોદ-પંચમહાલના શ્રમિકોને પોતાના વતન પહોંચાડશે. ગત વર્ષે સુરત વિભાગે ૧,૩૫૯ ખાસ ટ્રીપ ચલાવી ૮૬,૫૯૯ મુસાફરોને તેમની ગંતવ્‍યસ્‍થળે પહોંચાડ્‍યા હતા અને ૨.૫૭ કરોડની આવક કરી હતી.

સૌરાષ્ટ્ર માટે રામચોક મોટા વરાછા સુરત ખાતેથી ઉપાડવામાં આવશે. સુરત સેંટ્રલ બસ સ્‍ટેશનથી ઉત્તર ગુજરાત તથા અમદાવાદ જવા માટે બસ મળશે. સુરત સેન્‍ટ્રલ બસ સ્‍ટેશનની સામેના સુરત સીટી બસ સ્‍ટેશન અને રામનગર રાંદેર રોડથી દાહોદ તથા પંચમહાલ જેવા માટે બસ મળી રહેશે.

મુસાફરો એસટીના તમામ બસ સ્‍ટેશન, નિમાયેલા બુકિગ એજન્‍ટો, મોબાઇલ એપ અથવા વેબસાઇટ પરથી પણ ઓનલાઇન ટિકિટ બુક કરી શકશે. આખી બસનું ગ્રુપ બુકિગ કરાવનારને ‘એસટી આપના દ્વારે' સેવા હેઠળ સીધા તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે.(૩૮.૬)

(9:52 AM IST)