News of Tuesday, 14th October 2025
સૌરાષ્ટ્રનું ગૌરવ: પ્રણવ પટેલ 'ન્યૂઝ18 ગુજરાતી'ના ચીફ કોરેસ્પોન્ડન્ટ બન્યા: જોગાનુજોગ આજે જન્મદિવસ: શુભેચ્છાવર્ષા

અમદાવાદ: ગુજરાતના પત્રકારત્વ જગતમાં એક જાણીતા નામ અને છેલ્લા ઘણા વર્ષોથી સતત કાર્યરત શ્રી પ્રણવ પટેલને તેમની મહેનત અને શ્રેષ્ઠતા માટે મોટું પ્રમોશન મળ્યું છે. તેમને હવે ન્યૂઝ18 ગુજરાતી ચેનલના ચીફ કોરેસ્પોન્ડન્ટ તરીકેની નવી અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નવા પદ સાથે તેમની પત્રકારત્વની સફરમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.
સૌરાષ્ટ્રના નાના શહેરથી અમદાવાદ સુધીની સફળ સફર: રાજકોટ જિલ્લાના જેતપુર જેવા નાના શહેરથી પોતાની પત્રકારિત્વતાની કારકિર્દી શરૂ કરનાર શ્રી પ્રણવ પટેલની સફળતાની કહાણી અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે.
તેમણે જેતપુરની કમરીબાઇ હાઇસ્કૂલ અને શ્રી જી.કે. એન્ડ સી.કે. બોસમીયા કોલેજમાં અભ્યાસ કર્યો હતો. પત્રકારત્વના અભ્યાસ માટે તેમણે રાજકોટની અર્જૂનલાલ હિરાણી કોલેજમાંથી જર્નાલિઝમની ડિગ્રી મેળવી હતી.
વર્ષ ૨૦૦૮માં તેમણે રાજકોટના એક સાંધ્ય દૈનિકથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યનો પ્રારંભ કર્યો હતો.
ત્યારબાદ તેઓએ ઇલેક્ટ્રોનિક મીડિયામાં જોડાયા અને ઈટીવી ન્યુઝની હેડ ઓફિસ હૈદરાબાદ ખાતે પાંચ વર્ષ સુધી ફરજ બજાવી હતી.
વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીના ફિલ્ડ રિપોર્ટિંગ કવરેજ માટે તેઓ અમદાવાદથી ગુજરાતની પત્રકારત્વ સફરમાં પુન: જોડાયા અને ત્યારથી તેમની અવિરત કામગીરી ચાલુ છે.
પોતાના પ્રમોશન અંગે પ્રણવ પટેલે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "વિશ્વસનીયતા, સાહસ અને સત્યસંધાન - આ ગુણોને અનુસરીને મેં કારકિર્દીમાં અનેક અનુભવો મેળવ્યા છે. ચીફ કોરેસ્પોન્ડન્ટ તરીકેની નવી જવાબદારી સખત કામ અને વધુ પ્રતિબદ્ધતાની માંગ કરે છે, જેના માટે હું સંપૂર્ણપણે તૈયાર છું. હું સત્ય, ન્યાય અને સમાજ માટે શ્રેષ્ઠ કાર્ય કરવાનું ચાલુ રાખીશ."
તેમણે ઉમેર્યું હતું કે, "વિશ્વસનીય સમાચાર આપવાની જવાબદારી અને સત્યના પથ પર ચાલવાની ટક્કર વચ્ચે મેં મારી પત્રકારત્વની નવી પરિભાષાઓ શોધી છે."
પ્રણવ પટેલે આ તબક્કે પોતાના સહયોગીઓ, મેનેજમેન્ટ અને પરિવારનો સહારો મહત્વપૂર્ણ ગણાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ નવી ભૂમિકાથી તેમને વધુ અનુભવો અને અભિગમ મળશે, જેના થકી તેઓ ઉત્તમ અને સચોટ સમાચાર પ્રદાન કરવા માટે પ્રયત્નશીલ રહેશે.
જોગાનુજોગ આજે તેમનો જન્મદિવસ પણ છે. તેમના મો.નં. ૭૬૦૦૬ ૮૮૨૪૪ ઉપર ચોમેરથી અભિનંદનવર્ષા વરસી રહી છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
