News of Tuesday, 14th October 2025
લાભ પાંચમથી પ્રબળ અને પ્રચંડ વાવાઝોડું બનવાની વકી : ચક્રવાત કે ડીપ ડિપ્રેશનમાં પણ પરિવર્તિત થવાની શક્યતા
ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે બંગાળના સાગર અને અરબી સમુદ્રમાં હવામાનની મોટી હલચલ: 17થી 18 ઓક્ટોબર દરમિયાન મહત્તમ તાપમાન ફરી વધી શકે: આ વર્ષે 'લા નીના'ની અસરના કારણે હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે અને ઠંડીનો રેકોર્ડ તૂટી શકે: અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ :રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે અને સાંજ પછી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવાનામ નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે બંગાળના સાગર અને અરબી સમુદ્રમાં હવામાનની મોટી હલચલ જોવા મળી શકે છે, જે શિયાળાની પેટર્ન નક્કી કરશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, આ વર્ષે 'લા નીના'ની અસરના કારણે હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે અને ઠંડીનો રેકોર્ડ તૂટી શકે છે.
હાલમાં દરિયાનું ઊંચું તાપમાન ચિંતાનો વિષય છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જોકે ઘણા જાણીતા-અજાણ્યા પરિબળો આખરી નિર્ણય લેશે, તેમ છતાં સવારના ભાગમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધશે અને ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, 17થી 18 ઓક્ટોબર દરમિયાન મહત્તમ તાપમાન ફરી વધી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓક્ટોબર મહિનામાં દરિયામાં હલચલ વધશે. ૧૮ થી ૨૧ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે, જે ચક્રવાત કે ડીપ ડિપ્રેશનમાં પણ પરિવર્તિત થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, સૌથી મોટી હલચલ બંગાળના સાગરમાં જોવા મળશે. તારીખ 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં અહીં એક પ્રબળ અને પ્રચંડ વાવાઝોડું બનવાની સંભાવના છે. 23 ઓક્ટોબર બાદ આ વાવાઝોડું સક્રિય થશે, જેની અસર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે. જોકે, આવા ચક્રવાતની હાજરીને કારણે ઠંડીની શરૂઆત થોડી ધીમી પણ પડી શકે છે. આ ઉપરાંત, 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે, જેની અસર પણ રાજ્યના હવામાન પર થશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં શિયાળાની સત્તાવાર શરૂઆત ૨૩ ઓક્ટોબરથી થતી હોય તેવું જણાશે. ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે અને નવા વર્ષની શરૂઆતમાં પણ ઠંડીનું પ્રમાણ વધતું રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જોકે, હાડ કંપાવતી ઠંડીનો અનુભવ ડિસેમ્બરના અંતમાં થશે. 22 ડિસેમ્બર બાદની રાત્રીઓ સીઝનની સૌથી ઠંડી બની રહેશે. આ સમયગાળા દરમિયાન ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા છે, જે રાજ્યના લોકોને ધ્રુજાવશે. ઉત્તરાયણ બાદ પણ ઠંડી ચાલુ રહેશે, જેમાં 11 જાન્યુઆરી બાદ ઠંડી વધુ પડશે અને ૧૪ જાન્યુઆરી બાદ ઠંડા પવનોનો જોરદાર અનુભવ થશે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
