<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ACBની સફળ ટ્રેપ : વાપી CGST કચેરીના સિનિયર એકાઉન્ટન્ટ સહિત બે અધિકારી લાંચ લેતા ઝડપાયા

ફૂલછોડના કુંડાના બિલ મંજૂર કરવાના અવેજમાં ₹૨,૦૦૦ની માંગણી : આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર અને સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર બંને સ્થળ પર પકડાયા : એક જાગૃત નાગરિકની ફરિયાદથી પર્દાફાશ

વાપી: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા આજે વાપી ખાતે આવેલી સી.જી.એસ.ટી. (CGST) અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવીને બે ઉચ્ચ અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે.
પકડાયેલા આરોપીઓની વિગતો:
૧. કપીલ નટવરલાલ જૈન (ઉં.વ. ૩૫), હોદ્દો: આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર, ગૃપ-બી, વર્ગ-૨.
૨. રવિશંકર શ્યામાકાંત ઝા (ઉં.વ. ૪૭), હોદ્દો: સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર, ગૃપ-એ, વર્ગ-૧.
બંને અધિકારીઓ સી.જી.એસ.ટી.ની કચેરી, વાપી, જિ. વલસાડ ખાતે ફરજ બજાવે છે.
ગુનાની વિગત:
આ કેસના ફરિયાદી, એક જાગૃત નાગરિકે સી.જી.એસ.ટી. એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ કચેરી, વાપીને ફૂલછોડના કુંડાનો ઓર્ડર આપ્યો હતો અને તે મુજબ કુંડાઓ સપ્લાય કર્યા હતા. આ બિલના નાણાં ફરિયાદીને મળ્યા ન હોવાથી, તેઓ આરોપીઓને મળવા ગયા હતા. આ બિલ મંજૂર કરવાના અવેજ પેટે બંને આરોપીઓએ ફરિયાદી પાસે ₹૨,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.
ACBની કાર્યવાહી:
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ગોહિલ અને સ્ટાફ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
છટકા દરમિયાન, ફરિયાદી આક્ષેપિત નં. (૧) કપીલ જૈનને મળ્યા હતા. હેતુલક્ષી વાતચીત બાદ આરોપી કપીલ જૈને ₹૨,૦૦૦/-ની લાંચની માંગણી કરી સ્વીકારી હતી. આ લાંચની રકમ સ્થળ પરથી રીકવર કરવામાં આવી હતી અને બંને આરોપીઓ સી.જી.એસ.ટી. કચેરીના ચોથા માળે આવેલી આરોપી નં. (૧) ની ઓફિસમાં લાંચ સ્વીકારવાના ગુના હેઠળ ઝડપાઈ ગયા હતા.
આ સમગ્ર ટ્રેપનું સુપરવિઝન ACB સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

(5:08 PM IST)