News of Tuesday, 14th October 2025
પાલનપુર હાઇવે પર ભોયણ પાટીયા નજીક ટ્રેલર અને ટ્રક પલટી: બે લોકોના ઘટનાસ્થળે મોત
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી

બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલા ડીસા-પાલનપુર હાઇવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડીસાના ભોયણ પાટીયા નજીક એક ટ્રેલર અને ટ્રક પલટી મારી જતાં બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ભોયણ ગામે થયેલી આ દુર્ઘટનામાં ટ્રેલર કે ટ્રક પલટી મારતા તેમાં સવાર બે વ્યક્તિઓ કાટમાળ અને વાહનની નીચે દટાઈ જવાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ ગંભીર અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.દુર્ઘટનામાં દટાયેલા મૃતદેહોને બહાર કાઢવા અને ઇજાગ્રસ્તોને બચાવવા માટે ફાયર બ્રિગેડે ઝડપી કામગીરી કરી હતી. અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના પગલે ડીસા-પાલનપુર હાઇવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક અસરથી ટ્રાફિકનું નિયમન શરૂ કરીને માર્ગ ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ કરુણ બનાવ અંગે ગુનો નોંધીને અકસ્માત કયા કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતે ફરી એકવાર હાઇવે પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની અને ઓવરલોડિંગ જેવા જોખમી કૃત્યો ટાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
