News of Wednesday, 15th October 2025
ગાંધીનગરમાં નવા મંત્રીમંડળની શરણાઇઓ વાગવા લાગી : તમામ ધારાસભ્યોને બે દિવસ ગાંધીનગર નહીં છોડવા સૂચના
મુખ્યમંત્રી હવે નવી કેબિનેટ બેઠક નવા જ મંત્રીમંડળ સાથે નવા વર્ષમાં કરશે; નવામંત્રીમંડળની ગમે તે ઘડીએ જાહેરાત થાય તેવી શક્યતા

ગુજરાતમાં મંત્રીમંડળની શરણાઇઓ વાગવા લાગી છે. 161 જાનૈયાઓ પોતાના પોંખાવાની રાહ જોઇ રહ્યા છે. જો કે આ તમામ શક્યતાઓ વચ્ચે આવતીકાલે ગુજરાતના કેબિનેટ બેઠકનું આયોજન થવાનું હતું. જો કે અચાનક આ કેબિનેટ બેઠક રદ્દ કરી દેવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી દ્વારા કેબિનેટ બેઠક રદ્દ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુત્રોમાં થતા ગણગણાટ અનુસાર મુખ્યમંત્રી હવે નવી કેબિનેટ બેઠક નવા જ મંત્રીમંડળ સાથે નવા વર્ષમાં કરશે.
બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા તમામ ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ભાજપ સંગઠનનાં તમામ નેતાઓ અને તમામ ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા માટે આદેશ આપી દેવાયો છે. જેના પગલે હવે ગમે ત્યારે નવામંત્રીમંડળનો ગંજીફો ચિપાય તેવી શક્યતા છે. નવામંત્રીમંડળની ગમે તે ઘડીએ જાહેરાત થાય તેવી શક્યતા છે. ગુરૂવાર અને શુક્રવારે તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં જ હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
નવા મંત્રીઓનાં શપથગ્રહણ અથવા તો જાહેરાત આવતીકાલે એટલે કે 16 તારીખ અને ગુરૂવારનાં રોજ જાહેરાત થઇ શકે છે. નવાવર્ષમાં નવામંત્રીઓના શપથગ્રહણ બાદ તમામ કાર્યવાહી ફરી એકવાર પુર્વવત થઇ જશે. જેથી મુખ્યમંત્રી દ્વારા ગુરૂવારે મળનારી કેબિનેટ બેઠક રદ્દ કરી દીધી છે. મંત્રીમંડળના વિસ્તરણ બાદ જ કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવશે. જેમાં નવામંત્રીઓ હાજર રહેશે. આ કેબિનેટમાં જ ખાતાની ફાળવણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ ધનતેરસના દિવસે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવરત 17 ઓક્ટોબર સુધી ગુજરાત બહાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુરુક્ષેત્રના પ્રવાસે છે. પોતાના વતનમાં 16 તારીખ સુધી કુરુક્ષેત્રમાં રાજ્યપાલ રહેશે. 17 તારીખે મહારાષ્ટ્રમાં રાજ્યપાલ તરીકેનો કાર્યક્રમનુ અગાઉથી નિયત થયેલો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરજ પાસે મહારાષ્ટ્રનો પણ ચાર્જ હોવાના મહામહિમ 17 તારીખના કાર્યક્રમમાં ફરજિયાત હાજરી આપવી પડશે. રાજ્યપાલનો પ્રવાસ ટુંકાવામાં ન આવે તો 18 તારીખ ધનતેરસ કે ત્યાર પછીના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપના નવીન પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ તેમજ પ્રદેશ મહામંત્રી તાબડતોબ દિલ્હી ખાતે પીએમ નરેન્દ્રભાઈ મોદીને મળવા પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન સાથે પાંચ કલાક મેરેથોન બેઠક ચાલી હતી. પીએમ સાથે બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બેઠક યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હીથી ગુજરાત આવવા નીકળી ગયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. પીએમ સાથે પાંચ કલાક ચાલેલ મેરેથોન બેઠક બાદ મંત્રી મંડળમાં ફેરફાર થવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. પક્ષ પલ્ટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ ધારાસભ્યોને નવીન મંત્રી મંડળમાં સ્થાન મળવાની શક્યતાઓ છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
