<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રત્ન કલાકાર યુવાનની હત્યા : હિંમતનગર પાસે બે યુવકોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી

મૃતક સુરેશભાઈ ચિત્રોડા મૂળ જૂનાગઢના વતની :રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા : સંતાનમાં બે પુત્રો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાત્રી દરમ્યાન એક રત્નકલાકાર યુવકની હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા સ્થિત હિંમતનગર પાસે રાત્રી દરમ્યાન હત્યાની ઘટના બની હતી. બનાવની જાણ થતા એસીપી, ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ 40 વર્ષીય સુરેશભાઈ પ્રેમજીભાઈ ચિત્રોડા તરીકે થઇ હતી. સુરેશભાઈ મૂળ જુનાગઢના વતની છે અને સુરતના કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં દસ વર્ષનો અને એક આઠ વર્ષનો દીકરો છે.

ગત રાતે સુરેશભાઈ હીરાના કારખાનામાંથી ઘરે જઈ રહ્યા હતા દરમ્યાન હિમ્મત નગર પાસે બે યુવકોએ તેઓને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઇ ગયા હતા. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

યુવકની હત્યા કોણે અને શા માટે કરી એ પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે. સુરેશભાઈના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને સમગ્ર પરિવારે તેમનો આધારસ્તંભ ગુમાવતાં શોક છવાઈ ગયો છે. પરિવારમાં કમાનાર કહો કે આધાર કહો તો એ સુરેશભાઈ હતા.

ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે મૂળ જુનાગઢના વતની 40 વર્ષીય સુરેશભાઈ ચિત્રોડા રત્નકલાકાર તરીકે કામ કરતા હતા તેમની હત્યા બે લોકોએ કરી છે, આરોપીઓ બાઈક પર બેસીને આવ્યા હતા, હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

(1:14 PM IST)