<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ બાદ એક શુભેચ્છકની સરાહનીય પહેલ :શુભેચ્છા માટે હોર્ડિંગ/બેનર લગાડવાને બદલે હોસ્પિટલમાં ૩૦ જરૂરિયાતમંદની નેત્ર સર્જરી માટે દાન કર્યું

આ નેત્ર સર્જરીથી ૩૦ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં કાયમી પ્રકાશ લાવશે : આ ઘટના સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે 'શુભેચ્છા' ખરા અર્થમાં 'સેવા' માં પરિવર્તિત થઈ શકે

અમદાવાદ તા.૧૮ :ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે  હર્ષ સંઘવીએ શપથ લીધા બાદ તેમણે રાજ્યના નાગરિકો અને કાર્યકર્તાઓને એક હૃદયસ્પર્શી અપીલ કરી હતી. તેમણે શુભેચ્છા માટે પોતાના અભિનંદનના હોર્ડિંગ્સ કે બેનરો ન લગાવવા વિનંતી કરીને, તેના બદલે જરૂરિયાતમંદ લોકોની સામાજિક સેવામાં યોગદાન આપીને તેમના જીવનમાં પ્રકાશ ફેલાવવાની અપીલ કરી હતી.

હર્ષ સંઘવીની આ નમ્ર અપીલનો એક સકારાત્મક અને ઉત્કૃષ્ટ પ્રતિભાવ મળ્યો હોવાનું એક બાબત ધ્યાને આવી છે. સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાને એક શુભેચ્છક તરફથી એક અનોખું દાન મળ્યું છે. આ દાતાશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપતા હોર્ડિંગ બેનર લગાવવાના બદલામાં, ૩૦ જરૂરિયાતમંદ લોકોની નેત્રની સર્જરી કરાવી આપવા માટે સંસ્થાને દાન પૂરું પાડ્યું છે.

નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ આ ઉમદા કાર્યને બિરદાવ્યું છે.

હર્ષ સંઘવીની સંવેદનશીલ અપીલને પગલે થયેલા આ દાનથી સ્પષ્ટ થાય છે કે, સન્માનના બદલે સામાજિક કલ્યાણને પ્રાધાન્ય આપવાની વિચારધારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. એક તરફ જ્યાં શુભેચ્છાઓના હોર્ડિંગ્સ થોડા દિવસોમાં ઉતારી લેવાય છે, ત્યાં આ ૩૦ નેત્ર સર્જરી જરૂરિયાતમંદ લોકોના જીવનમાં કાયમી પ્રકાશ લાવશે. આ ઘટના સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે 'શુભેચ્છા' ખરા અર્થમાં 'સેવા' માં પરિવર્તિત થઈ શકે છે.

(11:31 AM IST)