તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Tuesday, 21st October 2025
ગુજરાતનું મોટેભાગે સુમસામ રહેતું ગામ ફરી એકવાર તહેવાર સમયે જીવંત બનતા ગામ ઝગમગતું બને છે
દિવાળીના તહેવારોમાં ગામના લોકો ભેગા થયા છે વિદેશમાં સ્થાયી થયેલા લોકો પણ એકઠા થઈ જાય છે

ગુજરાતનું એક એવું અનોખું ગામ કે જે મોટા ભાગે સૂમસાન રહેતું હોય છે. જોકે દિવાળીના તહેવારોમાં ગામના લોકો ભેગા થઈ જતા હોય છે. જેમાં વિદેશમાં સ્થાયી થયેલા લોકો પણ એકઠા થઈ જાય છે. જાણો ક્યાં આવેલું છે આ ગામ?
એક એવું ગામ કે જે દિવાળીના પાંચ દિવસ સુધી એક પરિવારની જેમ જીવન જીવે છે. ગામ લોકો વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવના સાથે તહેવારની મજા માણે છે. સામાન્ય દિવસોમાં સુમસામ રહેતું ગામ ફરી એકવાર તહેવાર સમયે જીવંત બનતા ગામ ઝગમગતું બને છે. આ ગામને લઈ એક સ્લોગન પણ છે કે "બીજું બધું બરાબર, દિવાળી તો વેરાબર"
ગામના લોકોને જોતા એમ લાગતું હશે કે ગામમાં કોઈ મોટો પ્રસંગ છે પરંતુ એવું નથી. આ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી લોકો એક થઈને તહેવારની ઉજવણી કરતા હોય છે. સામાન્ય રીતે ગામડાઓમાં વસવાટ કરતા પરિવારો પોતાના અને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે ગામડું છોડી શહેરોમાં વસવાટ કરતા હોય છે ત્યારે ગામડાઓ સુમસાન બની જતા હોય છે.
દિવાળીની રજાઓમાં આ ગામમાં બધા જ એક સાથે ભેગા થઈને તહેવારની ઉજવણી કરતા હોય છે. આ છે ઈડર તાલુકાનું વેરાબર ગામ કે જ્યાં મોટાભાગના સ્થાનિકો નોકરી માટે અને પોતાના બાળકોના શિક્ષણ અર્થે ભારતના અલગ અલગ શહેરો તથા વિદેશોમાં વસેલા છે
વેરાબર ગામ સુમસામ રહેતું હોય છે પરંતુ તહેવાર ટાણે તમામ લોકો પોતાના પરિવાર સાથે લોકો ગામમાં આવી પહોંચતા હોય છે. જેથી ફરી એકવાર આ ગામડું જીવંત બનતું હોય છે અને તમામ લોકો તહેવાર એક સાથે ઉજવતા હોય છે.
ગામની વાત કરીએ તો અહીં અંદાજે ત્રણ હજારની વસ્તી છે તો મોટાભાગે બ્રાહ્મણ સમાજ છે અને ગામના મોટા ભાગના સ્થાનિકો આર્થિક ઉપાર્જન માટે ધીમે ધીમે અલગ અલગ શહેરમાં વસવા લાગ્યા. હાલમાં 65 ટકા કરતા વધુ લોકો અન્ય દેશ અને રાજ્યમાં વસતા હોવાથી ગામ સુમસાન લાગતું હોય છે .
જોકે તહેવાર ટાણે તમામ લોકો પોતાના વતન વેરાબર ખાતે તહેવારની ઉજવણી અર્થે આવી પહોંચતા હોય છે. આ ગામમાં પાંચ દિવસ જાણે કે કોઈ મોટો પ્રસંગ હોય તે રીતે ઉજવણી થતી હોય છે. તમામ લોકોનું સવાર સાંજનો ચા નાસ્તો, બપોર અને રાતનું જમવાનું પણ એક જ જગ્યાએ થતું હોય છે.
ગામમાં તહેવાર સમયે લોકો એક પરિવારની જેમ બધા સાથે ભોજન કરતા હોય છે. સાથે સાથે રાત્રી દરમિયાન દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમતો પણ યોજાતી હોય છે. ઉપરાંત મહા આરતી સહિતના રાત્રી દરમિયાન કાર્યક્રમ યોજાતા હોય છે. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમામ લોકો એકબીજાથી પરિચિત થાય, એકબીજાના સંબંધો વિશે જાણે અને બ્રાહ્મણ સમાજમાં તો આ પાંચ દિવસ દરમિયાન સગપણ થતા હોય છે..
પોતાના વતનથી અન્ય શહેરોમાં આર્થિક ઉપાર્જન માટે રહેલા સ્થાનિકો પોતાના વતન પહોંચી એકબીજાને મળી દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છે. જેને લઈને આજે ફરી એકવાર ગામડું, ગામડું લાગી રહ્યું હોય તેવું સ્થાનિક લોકો માની રહ્યા છે. સાથે જ આ પાંચ દિવસ સુધી તમામ લોકો મન મૂકીને મજા પણ કરતા હોય છે.
.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
