News of Wednesday, 22nd October 2025
દાહોદ જિલ્લામાં આજે નવા વર્ષે આદિવાસી સમુદાય દ્વારા ગાય ગોહરીના તહેવારની અનોખી ઉજવણી
ગાયો અને બળદોને રંગબેરંગી રંગોથી રંગવામાં આવે છે, તેમના શિંગડા પર વિવિધ ડિઝાઇન બનાવવામાં આવે છે, અને ઘંટડી, માળા, ફૂલો તથા કપડાંથી શણગાર કરવામાં આવે છે, કેટલાક વિસ્તારોમાં તો ગાય-ગોહરીના શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે

દાહોદ: આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિ લ્લામાં નવા વર્ષના દિવસે ગાય ગોહરીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે. દાહોદ જિલ્લાના ગરબાડા ગાંગરડી ઝાલોદ તેમજ દાહોદમાં ગાય ગોહરીનું આયોજન કરવામાં આવે છે. આ પર્વ નિમિત્તે ગાયો અને બળદોને રંગીન કરવામાં આવે છે અને તેમને વિવિધ રીતે શણગારવામાં આવે છે. જેને જોવા માટે મોટામોટા શહેરોમાંથી પણ અનેક લોકો આવે છે.
ગાય ગોહરીની ઉજવણી હજારો વર્ષોથી આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવે છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આદિવાસી વિસ્તારોમાં ગાય-ગોહરી પર્વની ઉજવણી માટે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પર્વ આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાનો એક અગત્યનો ભાગ ગણાય છે. દર વર્ષે આ સમયગાળામાં આદિવાસી ભાઇઓ પોતાની ગાયો, બળદો અને પશુઓને વિશેષ રીતે શણગારતાં હોય છે અને તેમની પૂજા-અર્ચના કરીને આ અનોખા તહેવારની ઉજવણી કરે છે.
આ પર્વને લઈને ગામોમાં ઉત્સવમય માહોલ છવાઈ ગયો છે. નાના મોટા સૌ લોકો પોતાના પશુધનને રંગીન બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે.
ગાયો અને બળદોને રંગબેરંગી રંગોથી રંગવામાં આવે છે, તેમના શિંગડા પર વિવિધ ડિઝાઇન બનાવવામાં આવે છે અને ઘંટડી, માળા, ફૂલો તથા કપડાંથી શણગાર કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં તો ગાય-ગોહરીના શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે, જેમાં યુવાનો ઢોલ-નગારા અને લોકગીતો સાથે ઉત્સાહભેર ભાગ લે છે.
આ પર્વનો મૂળ હેતુ પશુઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો છે, કારણ કે આદિવાસી જીવનમાં ગાય અને બળદો ખેતી, દૂધ ઉત્પાદન અને રોજગારનો મુખ્ય આધાર છે.
ગાય-ગોહરી પર્વ દ્વારા પશુઓને સન્માન આપવામાં આવે છે અને તેમને પરિવારના સભ્ય સમાન માનવામાં આવે છે. આદિવાસી માન્યતા મુજબ, આ દિવસ ગાય અને બળદોનું આરાધન કરીને આવનારા વર્ષમાં સુખ-સમૃદ્ધિ અને પાકની સૃષ્ટિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.
સ્થાનિક વડીલો જણાવે છે કે આ પર્વ માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ સામૂહિક એકતાનો પ્રતીક પણ છે. ગામના લોકો એકત્ર મળી ઉજવણી કરે છે, એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને લોકનૃત્ય, ગીતો તથા ભોજનના કાર્યક્રમો પણ યોજાય છે. આ રીતે ધાનપુર તાલુકાના આદિવાસી વિસ્તારોમાં ગાય-ગોહરી પર્વ માત્ર પરંપરા નહીં પરંતુ આદિવાસી જીવનશૈલીનો અવિભાજ્ય અંશ બની ગયો છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
