News of Wednesday, 22nd October 2025
બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટને એક ભક્ત દ્વારા 100 ગ્રામ સોનાનું દાન મળ્યું
અંબાજી મંદિર ટ્રસ્ટ વતી ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ ગોસ્વામીએ આ સોનાનું દાન સ્વીકાર્યું

ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અને તીર્થધામ અંબાજી મંદિરમાં નવા વર્ષ એટલે કે બેસતા વર્ષની શરૂઆત ભક્તિ અને શ્રદ્ધાના અદ્ભુત માહોલ વચ્ચે થઈ છે. આજે શુભ બેસતા વર્ષના દિવસે, અંબાજી મંદિર ટ્રસ્ટને એક ભક્ત દ્વારા 100 ગ્રામ સોનાનું દાન પ્રાપ્ત થયું છે. મળતી માહિતી મુજબ, દાનમાં આપેલા આ સોનાની બજાર કિંમત અંદાજે રૂપિયા 13,00,000 જેટલી થવા જાય છે.
મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે, અંબાજી માતા પ્રત્યેની તેમની અડગ શ્રદ્ધાના ભાગરૂપે આ દાન આપનાર ભક્ત દ્વારા પોતાની ઓળખ ગુપ્ત રાખવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. માતાજી પ્રત્યેના ભક્તિભાવના રૂપે આ મૂલ્યવાન સોનું મંદિર ટ્રસ્ટને ભેટ ધરવામાં આવ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટ વતી ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ ગોસ્વામીએ આ સોનાનું દાન સ્વીકાર્યું હતું.
અંબાજી મંદિર, જે દેશના 51 પવિત્ર શક્તિપીઠોમાંનું એક ગણાય છે, ત્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ખાસ કરીને દિવાળી અને નવા વર્ષના અવસરે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આજે બેસતા વર્ષની ઉજવણીના પ્રસંગે પણ અંબાજી ધામમાં ભક્તિભાવનો ભારે માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર દીવડાઓથી ઝળહળી ઉઠ્યું હતું અને ભક્તોના આરતીના સ્વરોથી વાતાવરણ આધ્યાત્મિકતાથી છવાઈ ગયું હતું.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
