News of Thursday, 23rd October 2025
વડોદરામાં દારૂડિયા ડ્રાઇવરોનો આતંક: નશામાં ધૂત ઇનોવા ચાલકે 24 કલાકમાં 4 વાહનોને ટક્કર મારી! ગુસ્સે ભરાયેલા ટોળાએ ડ્રાઇવરને પકડી મેથીપાક ચખાડ્યો
સતત બીજા દિવસે નશાને કારણે ગંભીર અકસ્માત: નાગરિકોમાં ભય, પોલીસની કામગીરી પર સવાલ; 'યમરાજ ખુલ્લેઆમ ફરતો હોય તેવું દ્રશ્ય'

વડોદરા શહેરમાં નવા વર્ષની ઉજવણીની આડમાં દારૂ પીધેલા વાહનચાલકોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં રાત્રે બહાર નીકળવું હવે જોખમી બની ગયું છે. નવા વર્ષની રાત્રે સતત બીજા દિવસે ગોરવા વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં નશામાં ધૂત ઇનોવા કાર ચાલકે એકસાથે ચાર વાહનોને ટક્કર મારી હોબાળો મચાવ્યો.
સુભાનપુરાના રહેવાસી લકી ભરતભાઈ પરમારે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેઓ મિત્ર સાથે વહાણવટી માતા મંદિર પાસે બેઠા હતા ત્યારે એક ઇનોવા કાર પૂરપાટ ઝડપે આવીને તેમના પાર્ક કરેલા મોપેડને જોરદાર ટક્કર મારીને ભાગી ગઈ હતી.
આગળ જતાં, આ જ બેફામ ઇનોવાએ આઇનોક્સ મોલ પાસે કુણાલભાઈ માલવિયાની સ્વિફ્ટ કાર અને શાકભાજી માર્કેટ પાસે પાર્ક કરેલી કૃતાર્થ શિવતાની ફોર વ્હીલર સહિત અન્ય વાહનોને પણ ટક્કર મારી હતી. અંતે, આ ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી.
ચાર-ચાર વાહનોને ટક્કર માર્યા બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસે પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ નશામાં ધૂત ડ્રાઇવર હર્ષ રમેશચંદ્ર કશ્યપને રંગે હાથ પકડી લીધો હતો અને તેને મેથીપાક ચખાડીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
ગોરવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ડ્રાઇવર હર્ષ કશ્યપ સામે બે અલગ-અલગ ફરિયાદો નોંધી છે અને કારનો કબજો લીધો છે.
વડોદરામાં નશામાં ધૂત ડ્રાઇવરને કારણે સતત બીજા દિવસે ગંભીર અકસ્માત સર્જાયો છે, જે ચિંતાજનક છે. આના એક દિવસ પહેલાં જ, એક નશામાં ધૂત ડ્રાઇવરે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવીઓ પર કાર ચડાવી દીધી હતી, જેમાં 4 લોકો ઘાયલ થયા હતા અને એક ચાર વર્ષના બાળકનું કરુણ મોત થયું હતું.
શહેરમાં આવી બેફામ અને જીવલેણ ઘટનાઓએ નાગરિકોમાં ગભરાટ ફેલાવ્યો છે અને પોલીસ તંત્રની કડક કાર્યવાહી પર સવાલો ઊભા કર્યા છે. લોકોમાં એવી ચર્ચા છે કે પોલીસ આવા બેફામ અને નશાખોર ડ્રાઇવરો પર ક્યારે કડક લગામ કસશે?
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
