તા. ૨૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૩ બુધવાર
News of Thursday, 23rd October 2025
બેસતા વર્ષના દિવસે ગમખ્વાર અકસ્માત: ખેરાલુમાં પુરપાટ વેગનઆર કારે ત્રિપલ સવારી બાઈકને ઉલાળ્યું; એક યુવકનું કરુણ મોત
શેભર ગોગા મહારાજના દર્શન કરીને પરત ફરતી વખતે દુર્ઘટના: બાઈક સવાર યુવકો ફૂટબૉલની જેમ ફંગોળાયા; બે યુવકો ગંભીર રીતે ઘાયલ.

મહેસાણા: દિવાળી અને બેસતા વર્ષના તહેવારો દરમિયાન મહેસાણા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ખેરાલુ નજીક બેસતા વર્ષના દિવસે જ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે આવતી વેગનઆર કારે ત્રિપલ સવારી બાઈકને ટક્કર મારતાં એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
વડનગરના અમરથોળ દરવાજા પાસે રહેતા સાહિલજી ઠાકોર બેસતા વર્ષના દિવસે તેના મામાના દીકરા કિરણ અને મિત્ર સુમિત સાથે ખેરાલુ નજીક આવેલા શેભર ગોગા મહારાજના દર્શન કરવા ગયા હતા.
દર્શન કરીને ત્રણેય મિત્રો એક જ બાઈક પર પરત ફરી રહ્યા હતા. તેમનું બાઈક જ્યારે કોદરામથી ચાણસોલ રોડ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે પૂરપાટ ઝડપે આવતી વેગનઆર ગાડીના ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી.
ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર ત્રણેય યુવકો ફૂટબૉલની માફક ઉછળીને નીચે પટકાયા હતા. ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ તાત્કાલિક ૧૦૮ની મદદથી ત્રણેય ઇજાગ્રસ્તોને વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જ્યાં ગંભીર ઈજાઓને કારણે સુમિતનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું. જ્યારે સાહિલ અને કિરણને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ થતાં તેમની સારવાર ચાલી રહી છે.
આ મામલે ઇજાગ્રસ્ત સાહિલની ફરિયાદના આધારે ખેરાલુ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા વેગનઆર ગાડીના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
