<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

અમદાવાદમાં કૌટુંબિક ઝઘડાનો કરૂણ અંત: વાડજમાં રિક્ષાચાલક પતિને સાળાઓએ પાંચમા માળેથી ફેંકી દીધો

સેક્ટર-3માં ખેલાયો ખૂની ખેલ: પત્ની સાથેના અણબનાવમાં બે સાળાઓએ માર માર્યા બાદ આપી દીધી મોતની સજા; ઘટનાસ્થળે જ રિક્ષાચાલકનું મોત.

અમદાવાદ: અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ સેક્ટર-૩, સી બ્લોકમાં કૌટુંબિક ક્લેશને કારણે એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક હત્યાની ઘટના સામે આવી છે. અહીં માત્ર એક સામાન્ય પારિવારિક ઝઘડો ખૂની ખેલમાં પરિણમ્યો, જેમાં ૩૨ વર્ષીય રિક્ષાચાલક ભાવેશભાઈ બળદેવભાઈ મકવાણાનું કરુણ મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, મૃતક ભાવેશભાઈ મકવાણાનો તેમની પત્ની સાથે અણબનાવ ચાલી રહ્યો હતો. આ દરમિયાન, ભાવેશભાઈ ઘરમાં હાજર હતા ત્યારે તેમની પત્નીના ભાઈઓ (સાળાઓ) ત્યાં આવી પહોંચ્યા હતા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો.
માહિતી અનુસાર, ઝઘડા દરમિયાન પત્નીના ભાઈઓએ ભાવેશભાઈને પહેલા સખત માર માર્યો હતો અને ત્યારબાદ ગુસ્સામાં આવીને આરોપીઓએ ભાવેશભાઈને રહેણાંક મકાનના પાંચમા માળેથી નીચે ફેંકી દીધા હતા.
આ ગંભીર હત્યાના બનાવને કારણે સમગ્ર વાડજ સેક્ટર-૩ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વાડજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધીને આરોપી સાળાઓને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ પરિવાર અને સમાજમાં ભારે શોકની લાગણી ફેલાવી છે.

(6:08 PM IST)