<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

મહેસાણામાં કાર ચાલકે બાઈક-સ્કૂટરને અડફેટે લીધાઃ ૩ ના મોત

મઢાસણા ચોકડી નજીક ઓવરસીડ કારે જોરદાર ટક્કર મારીઃ કાર ચાલક ફરાર

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત ગમખ્વાર અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા-વડનગર રોડ પર આવેલી મઢાસણા ચોકડી નજીક બેફામ ગતિએ આવતા એક અજાણ્યા કાર ચાલકે બાઇક અને એક્ટિવાને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા, જેના કારણે ત્રણ યુવકોના કરૂણ મોત નિપજ્યાં છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, કાર ચાલકે ઓવરસ્પીડમાં ગાડી હંકારીને બાઇક અને એક્ટિવાને ટક્કર મારતાં વાહનો પર સવાર લોકો હવામાં ફંગોળાયા હતા. બાઇક પર સવાર કિશનજીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે ગંભીર ઈજા પામેલા નિલેશજી અને મહેશજીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ વિસનગરના ગુંજા ગામના કિશનજી અને નિલેશજી તેમજ વડનગરના ખટાસણા ગામના મહેશજી તરીકે થઈ છે. આ સમાચાર મળતાં જ બંને ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી. વડનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા તેમજ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જોકે, અકસ્માત સર્જનાર અજાણ્યો કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. 

વડનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે. પોલીસે હાલ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે બેફામ કાર ચાલકને ઝડપી પાડવા માટે સઘન તપાસ અને કવાયત હાથ ધરી છે.

(11:40 AM IST)