<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

અમદાવાદના ગોમતીપુરમાં જુની અદાવતમાં 71 વર્ષીય વૃદ્ધ પર ચાર શખ્સોનો લાકડીથી હુમલો

આરોપીઓએ ઘરના દરવાજા અને લાઇટના મીટરમાં પણ લાકડીઓ મારી નુકશન કર્યુ

અમદાવાદાઃ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલ એક ચાલીમાં જૂની અદાવતને લઈને એક ગંભીર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં 71 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ જયંતીભાઈ છગનભાઈ પરમારને તેમના પાડોશી અને તેમના પરિવારના સભ્યોએ લાકડી વડે માર માર્યો હતો. આ હુમલામાં જયંતીભાઈને પીઠના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે તેમના ઘરના દરવાજા અને લાઈટ મીટરને પણ લાકડીઓના ફટકાથી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઝઘડાનું મૂળ એક મહિના જૂની અદાવતમાં રહેલું છે.

મળતી માહિતી મુજબ, ગત તા. 23 ના રોજ સવારે, જયંતીભાઈના પત્ની મણીબેન સૂરજદાદાને જળ અર્પણ કરી રહ્યા હતા, તે સમયે પાડોશમાં રહેતી આરોપી અંજનાબેન માધુભાઈ પરમારે તેમની પર ખોટી રીતે બોલવા લાગતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, ચાલીના રહેવાસીઓએ તહેવાર હોવાને કારણે વચ્ચે પડીને સમાધાન કરાવી દીધું હતું. પરંતુ, બપોરના ચારેક વાગ્યે સવારના ઝઘડાની અદાવત રાખીને આરોપી અંજનાબેન ફરી જયંતીભાઈના ઘર આગળ ઊભા રહીને ગંદી ગાળો બોલવા લાગ્યા. જયંતીભાઈએ ગાળો બોલવાની ના પાડતા તે ગુસ્સામાં ઘરે ગઈ અને થોડીવારમાં જ તેના ભાઈ વિશાલ, પિતા માધુભાઈ અને માતા લક્ષ્મીબેનનું ઉપરાણું લઈને ત્રણેય સાથે જયંતીભાઈના ઘરે ધસી આવ્યા હતા અને ફરી ગાળાગાળી શરૂ કરી હતી.

આ સમયે દિવાળીની રજાઓમાં ઘરે આવેલા જયંતીભાઈના દીકરા અલ્કેશભાઈએ સમજાવટથી મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આરોપી વિશાલ અને તેના પિતા માધુભાઈ વધુ ઉશ્કેરાઈ જઈને ક્યાંકથી લાકડીઓ લઈને આવ્યા અને જયંતીભાઈ પર હુમલો કર્યો. વિશાલભાઈએ જયંતીભાઈને પીઠના ભાગે બે થી ત્રણ લાકડીના ફટકા માર્યા હતા, જ્યારે માધુભાઈએ ઘરના દરવાજા અને લાઈટના મીટરને નુકસાન પહોંચાડ્યું હતું. ચારેય આરોપીઓએ ત્યારબાદ સમગ્ર પરિવાર સાથે ઝપાઝપી કરી હતી. જયંતીભાઈના પત્નીએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા ચારેય આરોપીઓ ભાગી છૂટ્યા હતા. આ મામલે જયંતીભાઈ પરમારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

(1:07 PM IST)