News of Friday, 24th October 2025
મહેસાણામાં પ્રથમવાર આજે એરોબેટિક એશ શો યોજાયોઃ વાયુસેનાના ૯ હોક વિમાનોના રોમાંચક સ્ટંટસ
સૂર્યકિરણની ટીમે લોકોને રોમાંચિત કર્યાઃ હકડેઠઠ મેદની દંગ રહી ગઇ

મહેસાણાઃ આજે મહેસાણાનું આકાશ શૌર્ય અને ચોકસાઈના રંગોથી રંગાયું હતું. મહેસાણાના ઇતિહાસમાં સૌપ્રથમવાર ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ 'સૂર્યકિરણ' એરોબેટિક ટીમે અહીંના એરોડ્રામ ખાતે શાનદાર અને દિલધડક એર શોનું આયોજન કર્યું હતું. સાંસદ હરિભાઈ પટેલની રજૂઆતને પગલે રક્ષામંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સવારે 9 વાગ્યાથી જ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેણે આ અદ્ભુત નજારાને નિઃશુલ્ક નિહાળીને રોમાંચ અનુભવ્યો હતો.
આ એર શો મહેસાણાના લોકો માટે એક ખાસ પ્રસંગ બની રહ્યો હતો. 'સૂર્યકિરણ' ટીમે તેમના 9 હોક MK 132 વિમાનો સાથે આકાશમાં એવા કરતબો રજૂ કર્યા, જેને જોઈને દર્શકો દંગ રહી ગયા હતા. આ પાયલટોએ ગજબના સંકલન અને કૌશલ્યનો પરિચય આપતા, 5 મીટરથી ઓછા અંતરે વિમાનોને ઉડાડ્યા હતા. આકાશમાં વિમાન સીધી દિશામાં આગળ વધતાં 360 ડિગ્રી ફરીને સીધું થયું હતું અને બે વિમાનો એકબીજાને સામસામેથી ખૂબ નજીકથી પસાર થયા, જેણે ઉપસ્થિત જનમેદનીમાં ભારે ઉત્સાહ ફેલાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મુખ્ય શોના એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે, 'સૂર્યકિરણ' ટીમે મહેસાણાના આકાશમાં દિલધડક કરતબો રજૂ કર્યા હતા. આ દ્રશ્યોએ જ શહેરના વાતાવરણમાં ઉત્સાહ ભરી દીધો હતો અને અનેક લોકોએ આ અદભુત નજારાને પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. વાયુસેનાના આ જવાનોએ પ્રેક્ટિસ દરમિયાન પણ શૌર્ય અને ચોકસાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
'સૂર્યકિરણ' ટીમનો એક ગૌરવશાળી ઇતિહાસ છે. આ એરોબેટિક્સ પ્રદર્શન ટીમની સ્થાપના 1996માં થઈ હતી અને તે ભારતીય વાયુસેનાના 52મા સ્ક્વોડ્રનનો ભાગ છે. શરૂઆતમાં HT-16 કિરણ ફાઈટર જેટનો ઉપયોગ કરનારી આ ટીમમાં વર્ષ 2015માં હોક માર્ક M-132 જેટ વિમાન જોડાયું હતું. આ ટીમમાં 13 પાઇલટ્સ હોય છે, જેમાંથી નવ ફાઇટર પાઇલટ્સ એકસાથે ઉડાન ભરે છે. આ પાઇલટ્સની પસંદગી બેથી ત્રણ વર્ષના સમયગાળા માટે થાય છે અને તેઓ કિરણ વિમાન ચલાવવાનો અનુભવ ધરાવતા લાયક ઉડાન ઇન્સ્ટ્રક્ટર હોય છે.
'સૂર્યકિરણ' ટીમે અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં 900થી વધુ વખત નવ-એરક્રાફ્ટ ફોર્મેશનનું પ્રદર્શન કરીને ભારતીય વાયુસેનાનું ગૌરવ વધાર્યું છે. મહેસાણામાં યોજાયેલો આ પ્રથમ એર શો, સ્થાનિકો માટે ભારતીય વાયુસેનાના શૌર્ય અને ઉડ્ડયન કૌશલ્યને નજીકથી જોવાનો એક યાદગાર અવસર બની રહ્યો હતો.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
