News of Friday, 24th October 2025
આગામી 15 ડિસેમ્બર સુધી માવઠાની શકયતાઃ અંબાલાલ પટેલ
દક્ષીણ ગુજરાતમાં પુરની તીવ્રતા સંભાવનાઃ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ અતિભારે વરસાદ પડી શકે છેઃ રર ડીસેમ્બર બાદ હાડ થીજવણી ઠંડી પડશે

અમદાવાદઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજયમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 72 કલાક દરમિયાન કમોસમી વરસાદની વ્યાપક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય વરસાદી સિસ્ટમ, અરબી સમુદ્રમાં લો-પ્રેશર વિસ્તાર અને ઉત્તર ભારતથી આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં પલટો આવશે. આટલું જ નહીં કમોસમી વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવા સ્થિતિ ઊભી થઈ શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે પૂરની તીવ્ર શક્યતા વ્યક્ત કરી છે. નવસારી, સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ ભરેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર, જુનાગઢ, અમરેલી અને ગીરના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. એટલુ જ નહીં વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, દસાડા, પાટડી, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા, બરવાળા, કડીમાં ભારે વરસાદની આગાહી છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. 15 ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. નવેમ્બર-ડિસેમ્બરમાં માવઠાની આગાહી સાથે ચક્રવાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કમોસમી માવઠાની આગાહી સાથે જ શિયાળામાં વધારે ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો શરૂ થશે અને 14 જાન્યુઆરી બાદ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
