<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

PSI સાથે ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિના નબીરા જૈનમ શાહની ધરપકડઃ કાર જપ્‍ત

-સુરતના અલથાણમાં દારૂની પાર્ટી ઉપર દરોડા દરમિયાન સાથે ઉગ્ર ઝપાઝપી કરેલ

સુરતઃ સુરતના અલથાણ વિસ્તારમાં દારૂની પાર્ટી પર દરોડા દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સાથે ઉગ્ર ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમ શાહની આખરે પોલીસે ધરપકડ કરી છે. શરૂઆતમાં માફીનામું લખાવીને તેને છોડી દેવાયા બાદ મીડિયામાં સતત અહેવાલો અને વ્યાપક વિવાદને પગલે અલથાણ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે અલથાણ પોલીસે દારૂની મહેફિલ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જૈનમ શાહે ફરજ પરના PSI સાથે માથાકૂટ અને ઝપાઝપી કરી હતી. ચોંકાવનારી વાત એ હતી કે, પોલીસ દ્વારા તાત્કાલિક કોઈ કડક કાર્યવાહી કરવાને બદલે જૈનમ શાહ પાસેથી માત્ર માફીનામું લખાવીને તેને છોડી દેવામાં આવ્યો હતો. આ પ્રકારની બેદરકારીભરી કાર્યવાહીથી પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા હતા અને વગદાર વ્યક્તિઓને છાવરવામાં આવતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

મીડિયા દ્વારા આ મુદ્દે સતત અહેવાલો પ્રકાશિત થતાં અને પોલીસની કામગીરી પર આંગળી ચીંધાતાં તંત્ર હરકતમાં આવ્યું. દબાણ હેઠળ અલથાણ પોલીસે જૈનમ શાહ વિરુદ્ધ ફરજમાં રુકાવટ લાવવાનો ગુનો દાખલ કર્યો. ગુનો દાખલ થયા બાદ જૈનમને બે નોટિસ પાઠવવામાં આવી, જેના પગલે તે અલથાણ પોલીસ સ્ટેશને હાજર થયો. પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી અને તેની કાર પણ જપ્ત કરી, જેમાંથી બિયરના ટિન મળી આવ્યા હતા.

ધરપકડ બાદ પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જૈનમને બૂટ-ચપ્પલ વિના તે જ હોટલની બહાર લાવવામાં આવ્યો હતો જ્યાં દારૂની મહેફિલ યોજાવાની હતી અને તેણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. જે યુવક પોલીસને પડકાર ફેંકતો હતો, તે આજે શરમ અને પસ્તાવાના ભાવ સાથે માથું નીચું રાખીને ઉભો હતો, એકવાર પણ તેણે નજર ઊંચી કરી નહોતી.જૈનમ શાહે જ્યારે પોલીસ સાથે ઝપાઝપી કરી ત્યારે કદાચ એવું વિચારતો હશે કે પિતાની વગદાર છાપ અને ઉદ્યોગપતિ હોવાને કારણે પોલીસ તેનું કંઇ બગાડી નહીં શકે. કાયદાનું ભાન કરાવીને પોલીસે તેનો મિજાજ ઉતારી નાખ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

(2:37 PM IST)