<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

દમણ અને દાદરા નગર હવેલીના રાજકારણમાં ભડકો, કોંગ્રેસે ભાજપ, પ્રશાસન અને ચૂંટણી વિભાગ પર કર્યા ગંભીર આક્ષેપો

ભાજપે માત્ર વોટર ચોરી નહીં પણ આખી ચૂંટણી જ ચોરી લીધીઃ કોંગ્રેસનો આક્ષેપ દમણ-દાદરાનગર હવેલીમાં સ્‍થાનીક સ્‍વરાજની બેઠકોમાં બીજેપીના ઉમેદવારો બીનહરીફ બનતા રાજકારણ ગરમાયું

અમદાવાદઃ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ મોટાભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બિનહરીફ ભાજપનો ભાગવો લહેરાયો છે. મતદાન પહેલાજ ભાજપે દમણ જિલ્લા પંચાયત, દમણ નગરપાલિકા, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો બીનહરીફ વિજેતા થતા જ પ્રદેશના રાજકારણમાં જાણે ભડકો થયો છે. 

 

આ મામલે દાદરા નગર હવેલી કોંગ્રેસ દ્વારા ભાજપ અને પ્રશાસન અને ચૂંટણી વિભાગ પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અને ભાજપે પ્રશાસનનો ઉપયોગ કરી આ ચૂંટણીમાં ન માત્ર વોટ ચોરી કરી છે પણ ખોટી રીતે ભાજપે આખી ચૂંટણી જ ચોરી લીધી છે.

 

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકિયા અને કોંગ્રેસ પ્રદેશ પ્રભારી માણેકરાવ ગામીત દ્વારા સેલવાસમાં પાર્ટીના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. જેમાં આગામી રણનીતિની ચર્ચા કરી હતી .ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થવા મુદ્દે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ચૂંટણી પ્રક્રિયામાં શરૂઆતથી જ પ્રશાસન અને ચૂંટણી વિભાગ ભાજપના ખોળે બેસી અને ભાજપના ઈશારે તેના તરફેણમાં જ કામગીરી કરી હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. 

 

કોંગ્રેસના આક્ષેપોને લઈ પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે આગામી સમયમાં કોંગ્રેસ કોર્ટના પણ દ્વાર ખટખટાવવામાં આવશે તેવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે. તો બીજી બાજુ ભાજપે પણ કોંગ્રેસના આક્ષેપોનો વળતો જવાબ આપ્યો  છે અને ભાજપની રણનીતિથી અને વિકાસના મુદ્દે ભાજપ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વિજેતા થયું હોવાના દાવો  કર્યો હતો.

(2:57 PM IST)