<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

લૂંટ માટે મહિલાની હત્યાનો 'અનડિટેક્ટ' ગુનો મહુધા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો : બગડુ ગામના હત્યારા આરોપી નટુભાઈ ઉર્ફે રાવણ બુધાભાઈ રાવળની ધરપકડ : ચાંદીના કડલા સહિત લૂંટનો મુદ્દામાલ રિકવર

મૃતક ઉષા ઉર્ફે ચકી સોઢાના પગમાંથી કડલા કાઢવા માટે મોઢું દબાવી કેનાલના પાણીમાં ડુબાડી હત્યા કરાઈ : આરોપીએ દીવાળીના મોજ-શોખ માટે રૂપિયાની જરૂરિયાત હોવાની કબૂલાત કરી : પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની સૂચના હેઠળ ખેડા પોલીસ અધિક્ષક વિજય પટેલનું સીધું સુપરવિઝન

મહુધા, તા. ૨૩ ઓક્ટોબર : ખેડા જિલ્લાની મહુધા પોલીસે લૂંટ સાથે હત્યાના એક વણશોધાયેલા (Un-detect) ગંભીર ગુનાને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢીને હત્યારા આરોપીને લૂંટના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની સૂચના અને રેન્જ આઈજીપી વિધી ચૌધરી તથા ખેડા પોલીસ અધિક્ષક વિજય પટેલના સીધા સુપરવિઝન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.
ગુનાની વિગત:
તા. ૧૮/૧૦/૨૦૨૫ ના રોજ મહુધા તાલુકાના બગડુ ગામે એક મહિલાની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાની ઓળખ તેના પતિ અરવિંદભાઈ અમરસિંહ સોઢા (રહે. બગડુ, છેલ્લું ફળિયું, તા. મહુધા) દ્વારા ઉષા ઉર્ફે ચકી તરીકે થઈ હતી. શરૂઆતમાં અ.મોત. નંબર ૧૦/૨૦૨૫ મુજબ ગુનો નોંધી પો.ઇન્સ આર.કે. ગોહિલે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન, મહિલાના પગમાં લગ્ન સમયથી પહેરેલા ચાંદીના કડલા ગાયબ હતા અને શરીર પર ચકામા તથા છોલાવાના ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ડોક્ટરના પી.એમ. રિપોર્ટમાં મહિલાનું મૃત્યુ ડૂબી જવાથી થયાનું અને શરીર પરની ઈજાઓ મૃત્યુ પહેલાની હોવાનું જણાતા, પોલીસે તારણ કાઢ્યું કે આ મોત લૂંટના ઈરાદે કરાયું છે. અરવિંદભાઈ સોઢાની ફરિયાદના આધારે મહુધા પોલીસે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૩૦૯(૪), ૩૦૯(૬) મુજબ લૂંટ સાથે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ પો.ઇન્સ આર.કે. ગોહિલે શરૂ કરી.
ગુનેગારની ધરપકડ:
કપડવંજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.એન. સોલંકીના સુપરવિઝન હેઠળ પો.ઇન્સ આર.કે. ગોહિલે લૂંટ અને હત્યાના પાસાઓ પર તપાસ કરવા મહુધા પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી. સીસીટીવી ચેક કરવા, શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવા અને બાતમીદારો સક્રિય કરવા જેવી કામગીરી કરવામાં આવી.
દરમિયાન, પો.ઇન્સ આર.કે. ગોહિલ, હેડ.કો હસમુખભાઈ અને પો.કો હર્ષદકુમારને ચોક્કસ બાતમી મળી કે ગુનાનો શંકાસ્પદ નટુભાઈ ઉર્ફે રાવણ બુધાભાઈ રાવળ (રહે. બગડુ, તા. મહુધા) ની હીલચાલ શંકાસ્પદ છે. પોલીસે નટુને બગડુ ગામેથી પકડીને સઘન પૂછપરછ શરૂ કરી.
ગુનાની કબૂલાત:
શરૂઆતમાં નટુભાઈએ ઇનકાર કર્યો, પરંતુ સતત પૂછપરછ અને પોલીસની યુક્તિ-પ્રયુક્તિથી તે ભાંગી પડ્યો અને ગુનાની કબૂલાત કરી. આરોપીએ જણાવ્યું કે દીવાળીના તહેવારની ઉજવણી અને મોજ-શોખ માટે પૈસા ન હોવાથી તેણે આ લૂંટ અને હત્યા કરી.
તા. ૧૮/૧૦/૨૦૨૫ ના રોજ સાંજે જ્યારે તે કેનાલ પાસે હતો, ત્યારે મૃતક ઉષાબેન ઘાસચારો લઈને આવી રહ્યા હતા. તેમના પગમાં પહેરેલા ચાંદીના કડલા જોઈ તે ચોરી કરવાનું નક્કી કર્યું. આરોપીએ ઉષાબેનને ધક્કો માર્યો અને તેઓ બૂમો પાડવા લાગતા તેણે મોં દબાવીને કેનાલના ઢોળાવવાળી જગ્યાએ લઈ જઈ, માથું પકડી પાણીમાં દબાવી હત્યા કરી. ત્યારબાદ તેણે બન્ને પગમાંથી કડલા ખેંચી લીધા.
પોલીસે આરોપી નટુભાઈ ઉર્ફે રાવણ બુધાભાઈ રાવળની ધોરણસર અટક કરી છે અને તેની પાસેથી રૂ. ૨૦,૦૦૦ ની કિંમતના ચાંદીના કડલા રિકવર કર્યા છે. આરોપીનો અગાઉ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનાહિત ઇતિહાસ છે.
કામગીરી કરનાર પોલીસ ટીમમાં પો.ઇન્સ આર.કે. ગોહિલ, એસ.આર. ચૌહાણ, આર.વી. ચિહાલા, એસ.આઈ. ડાભી, આઈ.ડી. વાઘેલા સહિત એ.એસ.આઈ. મહેશકુમાર આત્મારામ, હેડ.કો હસમુખભાઈ મનુભાઈ, યશપાલસિંહ કિશોરસિંહ, તનવીરહુશૈન સબ્બીરખાન, નરેન્દ્રસિંહ જીલુભા, પો.કો હર્ષદકુમાર ચંદુભાઈ, શાહિલકુમાર વસંતભાઈ, રાકેશકુમાર નારણભાઈ, અલ્પેશકુમાર પુંજાભાઈ અને સુરેન્દ્રસિંહ રામકરણસિંહનો સમાવેશ થાય છે.

 

(3:55 PM IST)