News of Friday, 24th October 2025
ગુજરાત પર ચક્રવાતનો ડબલ ખતરો: અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય, બંગાળની ખાડીમાં વાવાઝોડું લેશે આકાર
તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ જાહેર: ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૪ થી ૮ ઇંચ સુધીના ભારે વરસાદની આગાહી: આ સિસ્ટમ ૨૫ ઓક્ટોબર સુધીમાં વધુ તીવ્ર બનશે

ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો અને દરિયાકિનારાના રહેવાસીઓ માટે ચિંતાજનક હવામાન અપડેટ સામે આવ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં, આગામી પાંચથી છ દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી ભારે વરસાદનો માહોલ સર્જાવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અરબ સાગરમાં એક ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે, જે આશરે ૨૫ કિમી/કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહી છે.
હાલ આ સિસ્ટમ ગુજરાતથી લગભગ ૭૦૦ કિમી દૂર છે અને આગામી ૨૪ કલાકમાં તે વધુ તીવ્ર બની શકે છે.
આ સિસ્ટમના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, ગુજરાતના તમામ બંદરોએ ભયસૂચક સિગ્નલ લગાવી દીધા છે, અને માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી દેવામાં આવી છે.
બીજી તરફ, બંગાળની ખાડી પર સક્રિય લો પ્રેશર સિસ્ટમ પણ ગુજરાત પર અસર કરી શકે છે. IMDના અનુમાન મુજબ:
આ સિસ્ટમ ૨૫ ઓક્ટોબર સુધીમાં વધુ તીવ્ર બનશે.
૨૬ ઓક્ટોબરે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે.
૨૭ ઓક્ટોબરના રોજ આ સિસ્ટમ વાવાઝોડા (Cyclonic Storm) નું સ્વરૂપ ધારણ કરશે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ વર્તાશે.
હવામાન નિષ્ણાતોએ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ૪ થી ૮ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ૩ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે.
ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે હવામાન અસ્થિર રહેવાનું હોવાથી, કાપણી કરેલો પાક અથવા ધાન્ય ખુલ્લા ખેતરોમાં રાખવાનું તાત્કાલિક ટાળવું, જેથી ભારે વરસાદથી થતા નુકસાનને અટકાવી શકાય.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
