<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

વડોદરામાં યુવકે રીલ બનાવવા જીવ જોખમમાં મુકયોઃ મોબાઇલ ટાવર પર ચડી કર્યા જોખમી સ્‍ટંટ

વાયરી વિડીયો અંગે પોલીસે તપાસ શરૂ કરીઃ લોકોની કાર્યવાહી અંગે માંગ

વડોદરાઃ  વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવાની હોડ હવે જીવ જોખમમાં મૂકે તેવી સાબિત થઈ રહી છે. તાજા બનાવમાં શહેરના સોમા તળાવ વિસ્તારમાં એક યુવકે માત્ર રીલ બનાવવા માટે જોખમી કૃત્ય કર્યું હતું. માહિતી મુજબ, યુવક મોબાઇલ ફોન હાથમાં લઈને સીધો મોબાઇલ ટાવર પર ચડી ગયો અને ત્યાંથી પોતાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

વિડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે યુવક ટાવર પર ચડીને ઊંચાઈ પરથી આખા વિસ્તારનો નજારો બતાવતો હોય છે. આસપાસના લોકો દ્વારા આ ઘટનાનો વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ જોવા મળી રહી છે કે માત્ર રીલ બનાવવાના ઉત્સાહમાં યુવકે પોતાની જિંદગી જોખમમાં મૂકી દીધી.

શહેરના રહેવાસીઓએ આ પ્રકારના ખતરનાક સ્ટંટ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. પોલીસ તંત્રે પણ વાયરલ વીડિયો અંગે તપાસ શરૂ કરી છે અને યુવકની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, જાહેર સ્થળો પર આવી રીતે ચડી જીવ જોખમમાં મૂકવું કાયદેસર ગુનો છે, અને સંબંધિત યુવક સામે કાયદેસર કાર્યવાહી થશે.

રીલના ચક્કરમાં યુવાનો ખોટા રસ્તા અપનાવી રહ્યા છે  જે જીવલેણ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા બનાવો સમાજમાં ખોટો સંદેશ ફેલાવે છે અને અન્ય યુવાઓને પણ જોખમી સ્ટંટ કરવા પ્રેરિત કરે છે. અધિકારીઓએ યુવાનોને સોશિયલ મીડિયા ફેમના ચક્કરમાં જોખમ ન લેવાની અપીલ કરી છે.

(2:48 PM IST)