<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

રાજસ્થાનમાં બસની દુર્ઘટના પછી સુરત ટ્રાફિક વિભાગ હરકતમાં: લક્ઝરી બસમાં ચેકિંગ કરાયું

બસમાં ફાયર એક્સ્ટિંગ્યુસર,ઈમરજન્સી એક્ઝિટ સહિતની તપાસ કરાઇ: ટાયર, CCTV અને વાયરિંગની પણ ચકાસણી

રાજસ્થાનમાં બસની દુર્ઘટના પછી સુરત ટ્રાફિક વિભાગ હરકતમાં આવ્યું છે. ટ્રાફિક વિભાગ દ્વારા લક્ઝરી બસમાં ચેકિંગ હાથ ધરાયું હતું.  AC બસમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી તપાસ હાથ ધરાઇ હતી. બસમાં ફાયર એક્સ્ટિંગ્યુસર, ઈમરજન્સી એક્ઝિટ સહિતની તપાસ કરાઇ હતી.ફિટનેસ સર્ટિ અને સ્ટેબિલિટી અંગે ચેકિંગ કરાયું હતું. ટાયર, CCTV અને વાયરિંગની પણ ચકાસણી કરાઇ હતી. જેમાં ખામીઓ સામે આવતાં રિપેરિંગ માટે પોલીસે સૂચના આપી હતી  

 રાજસ્થાનના જેસલમેર જિલ્લાના થૈયાત ગામ નજીક 14 ઓક્ટોબરના એસી લકઝરી બસમાં આગ લાગી હતી.. આગ લાગવાને લઇને શરૂઆતમાં અનેક અટકળો થઇ હતી પરંતુ તપાસમાં સામે આવ્યું હતું કે આગ બસની છત પરના એસી યુનિટમાંથી લાગી હતી. જેનું વાયરિંગ સીધું એન્જિન સાથે જોડાયેલું હતું.

   એક અધિકારીએ જણાવ્યું હતું કે વાયરિંગમાંથી નીકળેલા તણખાને કારણે બસની અંદર ધુમાડો અને કાર્બન મોનોક્સાઇડ ફેલાયો હતો. જેના કારણે મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જ્યારે બારી તૂટી ત્યારે બહારથી ઓક્સિજને આગને વેગ આપતો હતો. આ ઘટનામાં 26 લોકો મોતને ભેટ્યા હતા. 

જયારે આ ઘટના અંગે જેસલમેરના પોલીસ અધિક્ષક અભિષેક શિવહરેએ જણાવ્યું હતું કે તપાસમાં ગંભીર બેદરકારી અને સલામતી ધોરણોનું ઉલ્લંઘન થયું હોવાનું બહાર આવ્યું હતું. તેમણે કહ્યું કે બસ માલિક, ડ્રાઇવર અને બોડી ઉત્પાદકની ધરપકડ કરવામાં આવી છે. વહીવટીતંત્ર હવે તપાસ કરી રહ્યું છે કે બસના એસી સિસ્ટમ ફીટ કરતી વખતે યોગ્ય સલામતી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં

(10:51 PM IST)