<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

સુરત જિલ્લામાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બન્યો: ડાંગરનો પાક પલળી જતા ખેડૂતો ભારે નુકશાન

જહાંગીરપુરા ખાતે જિનિંગ મિલની બહાર, ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોએ મહામહેનતે પોતાનો પાક બચાવવા માટે પૂરી વ્યવસ્થા કરી ,તાલપત્રી ઢાંકી પણ હતી, તેમ છતાં વરસાદ વેરી બન્યો

સુરત : કમોસમી વરસાદે સુરત જિલ્લાના ખેડૂતોની આશા પર જાણે વજ્રઘાત કર્યો છે. સુરત શહેરના જહાંગીરપુરા ખાતે આવેલી જિનિંગ મિલની બહાર, ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોએ મહામહેનતે પોતાનો પાક બચાવવા માટે પૂરી વ્યવસ્થા કરી હતી. તાલપત્રી ઢાંકી પણ હતી, તેમ છતાં વરસાદ વેરી બન્યો છે 

ખેડૂતોને કમોસમી વરસાદની આગાહી હોવાથી તેમણે વહેલાસર ડાંગરનો પાક લણી લીધો હતો. આ પાકને સરકારી મંડળી કે જિનિંગ મિલમાં જમા કરાવવા માટે તેઓ રાત્રિ દરમિયાન જ ટ્રેક્ટરોમાં ભરીને જહાંગીરપુરા આવી ગયા હતાં. છેલ્લા 15થી 18 કલાક સુધી તેઓ મિલના ગોદામનો દરવાજો ખુલવાની રાહ જોતા હતાં, જેથી તેમનો પાક સુરક્ષિત જગ્યાએ મૂકી શકાય.

 વરસાદની શક્યતા હોવાથી તેમણે પોતાના ડાંગરના ઢગલા પર તાલપત્રી ઢાંકીને પાકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને આશા હતી કે જો થોડો છૂટોછવાયો વરસાદ પડશે તો તાલપત્રી તેમને રક્ષણ આપશે. પરંતુ, આ આગાહી નહીં, પણ જાણે પ્રલય હતો. 

ખેડૂતો પર કમોસમી વરસાદ જાણે આફત બનીને તૂટી પડ્યો. વરસાદનું જોર એટલું હતું કે તાલપત્રી હોવા છતાં, બાજુમાંથી અને નીચેથી પાણી ડાંગરના પાકમાં ઊતરવા લાગ્યું. આંખના પલકારામાં જ ખેડૂતોએ ટ્રેક્ટરની ટ્રોલીઓમાં અને નીચે ખુલ્લામાં પાથરેલી તાલપત્રી નીચેનો મહામૂલો પાક પલળીને પાણી પાણી થઈ ગયો હતો.

(7:41 PM IST)