<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

કૂટણખાનામાંથી પકડાયેલો ગ્રાહક મહિલાઓને અનૈતિક વેપારમાં ધકેલવાનો ગુનેગાર નહીં

આરોપી સામે સુરતના કાપોદ્રા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી FIR રદ કરતો હાઈકોર્ટનો ચુકાદો : પોલીસે સ્‍પા-મસાજ પાર્લરમાં દરોડા પાડયા ત્‍યારે અરજદાર યુવતી સાથે કઢંગી હાલતમાં મળી આવ્‍યો હતો

અમદાવાદ તા.૨૮: મસાજ પાર્લર કે પછી કૂટણખાનામાંથી પકડાયેલા ગ્રાહકને મહિલાઓને અનૈતિક વેપારમાં ધકેલવાનો ગુનેગાર ગણી શકાય નહીં એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો હાઇકોર્ટે આપ્‍યો છે. આ મામલે હાઇકોર્ટના ચુકાદાઓનો આધાર રાખતા હાઇકોર્ટે ઉક્‍ત આદેશ કરતા સુરતના કાપોદ્રા પોલીસ સ્‍ટેશનમાં અરજદાર આરોપી સામે નોંધાયેલી FIR સહિતની કાયદાકીય કાર્યવાહી રદ કરવાનો હુકમ કર્યો છે.આ કેસમાં અરજદારનો કેસ એવો હતો કે, તે એક મસાજ પાર્લરમાં ગ્રાહક તરીકે ગયો હતો અને તે સમયે કાપોદ્રા પોલીસ દ્વારા આ સ્‍થળે દરોડા પાડવામાં આવ્‍યા હતા અને અરજદારની ધરપકડ કરવામાં આવી હતી. ૨૮.૫.૨૦૨૨ના રોજ વિવાદિત ગુના માટે ભારતીય દંડ સંહિતાની કલમ 370(a) (૨) અને ઈમમોરલ ટ્રાફિક (નિવારણ) અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫, ૭ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં એવું જણાવવામાં આવ્‍યું હતું કે, જ્‍યારે પોલીસે સ્‍પા-મસાજ પાર્લરમાં દરોડા પાડ્‍યા ત્‍યારે એ જગ્‍યાએથી અરજદાર એક યુવતી સાથે કઢંગી હાલતમાં મળી આવ્‍યો હતો. તેથી સ્‍પાના માલિક-મેનેજર અને બે ગ્રાહકો સામે ગુનો નોંધાયો હતો. આ મામલે અરજદારને જામીન પર મુક્‍ત કરવામાં આવ્‍યો છે અને હવે તેણે આ FIR અને અન્‍ય કાનૂની કાર્યવાહી રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. વધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, હાઈકોર્ટના જ ૧૭.૬.૨૦૨૫ના ચુકાદામાં અનૈતિક સ્‍થળેથી પકડાયેલા ગ્રાહક મુદ્દે સ્‍પષ્ટતા કરવામાં આવેલી છે. અરજદારનો કેસ પણ આ ચુકાદાના તથ્‍યોને મળતો આવે છે અને તેથી તેના સામેની FIR રદ થવી જોઈએ. રાજ્‍ય સરકારે પણ દલીલ કરી હતી કે, હાઈકોર્ટના અગાઉના ચુકાદા મુજબ જ આ અરજદારનો કેસ છે અને અરજદારને પણ અગાઉના કેસ મુજબ એક ગ્રાહક તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવ્‍યો છે. તેથી આ કેસમાં પણ હાઇકોર્ટ ઉચિત આદેશ કરી આપે.આ દલીલોને ધ્‍યાનમાં લેતા હાઇકોર્ટના અગાઉના ચુકાદાના અવલોકનો અને તારણોને ટાંકતા હાઈકોર્ટે નોંધ્‍યું હતું કે, અગાઉ આવા મતલબના મુદ્દા ઉપસ્‍થિત કરતા કેસમાં હાઈકોર્ટે ઠરાવ્‍યું હતું કે ઇમમોરલ ટ્રાફિક (પ્રિવેન્‍શન) એક્‍ટ હેઠળ ગુના માટે આ કેસના અરજદાર કે જેને ગ્રાહક તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવ્‍યો છે, એના  પરનો કેસ ચાલુ રાખી શકાય નહીં. અરજદારે વેશ્‍યાવૃત્તિના હેતુ માટેસ્ત્રીને રાખી કે ખરીદી હોવાનું કહી શકાય નહીં. હાઈકોર્ટના ઉપરોક્‍ત નિર્ણયને ધ્‍યાનમાં રાખતા આ કેસમાં પણ એ એક નિર્વિવાદ હકીકત છે કે અરજદારને સ્‍પાની આડમાં ચલાવતા અનૈતિકતાના સ્‍થળ પર દરોડા દરમિયાન પકડવામાં આવ્‍યો હતો. અરજદાર આ વિવાદિત જગ્‍યાનો મેનેજર નહોતો, પરંતુ તે ગ્રાહક તરીકે પકડાયો હતો. તેથી હાઇકોર્ટની અન્‍ય ખંડપીઠ દ્વારા અને સુપ્રીમ કોર્ટના અન્‍ય કેસોની હકીકતો વર્તમાન કેસની હકીકતોને પણ સીધી રીતે લાગુ પડે છે. તેથી આ કોર્ટનો મત છે કે, અરજદારની અરજી મંજૂર થવા પાત્ર છે અને કાપોદ્રા પોલીસ સ્‍ટેશનમાં તેની વિરુદ્ધ નોંધાયેલી  FIR રદ કરવામાં આવે છે. સાથે જ અન્‍ય કાનૂની કાર્યવાહી પણ રદ કરવામાં આવે છે.

(4:25 PM IST)