News of Wednesday, 29th October 2025
કમોસમી વરસાદથી પાકમાં થયેલી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવાશે
આજે મળેલ કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક નિર્ણય લેવાયોઃવડાપ્રધાન નરેન્દ્રભાઈ કેવડિયા આવતા હોય તે અંગે પણ કેબિનેટમાં ચર્ચાઃ નવા વરાયેલા મંત્રીઓને વિભાગની કામગીરી માં કૌવત દેખાડવા સૂચના

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૯: નવા મંત્રીમંડળની રચના બાદ આજે બીજી વખત મળેલ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કમોસમી વરસાદના લીધે ખેડુતોને થયેલ નુકસાની,ખેડૂતોને તાત્કાલિક વળતર મળે,નરેન્દ્રભાઈના ગુજરાતમાં આગમનની તૈયારી વિશે અને નવા મંત્રીઓને પોતપોતાના વિભાગમાં પડતર પડેલી કામગીરી તાત્કાલિક પૂરી કરવા સહિત બાબતોની ચર્ચા થઈ હતી.
નવા મંત્રી મંડળની રચના બાદ વહીવટી કામગીરી માટે કેબિનેટની આ પ્રથમ બેઠક ગણી શકાય કારણ કે નવા મંત્રીમંડળની રચના બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી પરંતુ તેમાં જે તે મંત્રીઓને ફકત તેમના ખાતાની ફાળવણી કરવામાં આવી હતી પ્રથમ બેઠકમાં કોઈ વહીવટી કામગીરી વિશે ચર્ચા નહોતી થઈ.
આજે મળેલ કેબિનેટ બેઠકમાં ખાસ કરીને રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાની થઈ છે જેમાં અમુક ખેડૂતોનો તો આખેઆખો પાક સાફ થઈ ગયો છે ત્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી અને ખેડૂતોને નુકસાનીનું વળતર તાત્કાલિક મળે તે માટે આજની કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક નિર્ણય લેવાય ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવાના હોય તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી નરેન્દ્રભાઈના પ્રવાસને લઈ જે મંત્રીઓને તેમની વ્યવસ્થા કે બીજી કોઈ કામગીરી સોંપવામાં આવી છે તે અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત નવા વરાયેલા મંત્રીઓને તેમના વિભાગના પડતર પ્રશ્નો તેમજ બીજા વિકાસના કામો તથા વહીવટી કામગીરી ઉપર નજર રાખી બાકી રહેલા બે વર્ષ દરમિયાન ભાજપની છબી સુધારવા પણ સુચના આપવામાં આવી હતી.(૩૮.૪૨)
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
