<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

વડોદરા સહિત દેશભરના BAPS સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળ-બાલિકાઓએ પૌરાણિક પરંપરાને જીવંત રાખતા “સત્સંગ દીક્ષા” ગ્રંથના તમામ 315 સંસ્કૃત શ્લોકોનું મુખપાઠ કરીને અદભુત ઇતિહાસ રચ્યો

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ગયા વર્ષે દિવાળીના પર્વે સંકલ્પ કર્યો હતો કે, BAPS સંસ્થાની બાળ સંસ્કાર પ્રવૃત્તિ દ્વારા 10,000થી વધુ બાલ-બાલિકાઓ આ ગ્રંથના શ્લોકો કંઠસ્થ કરશે : ત્રણથી તેર વર્ષની વયના બાળકોએ શ્લોકો હૃદયમાં ઉતારી લીધા

વડોદરા તા.૨૯

આધુનિક ટેકનોલોજીના યુગમાં જ્યાં લોકો મોબાઇલ અને ડિવાઇસમાં વ્યસ્ત છે, ત્યારે વડોદરા સહિત દેશભરના BAPS સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળ-બાલિકાઓએ પૌરાણિક પરંપરાને જીવંત રાખતા “સત્સંગ દીક્ષા” ગ્રંથના તમામ 315 સંસ્કૃત શ્લોકોનું મુખપાઠ કરી એક અદભુત ઇતિહાસ રચ્યો છે.

 

'સત્સંગ દીક્ષા' ગ્રંથના શ્લોકોનું મુખપાઠ

 

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ગયા વર્ષે દિવાળીના પર્વે સંકલ્પ કર્યો હતો કે, BAPS સંસ્થાની બાળ સંસ્કાર પ્રવૃત્તિ દ્વારા 10,000થી વધુ બાલ-બાલિકાઓ આ ગ્રંથના શ્લોકો કંઠસ્થ કરશે. આ સંકલ્પને સાકાર કરતા 15,666 નાના વિદ્વાનોએ જેમાં ત્રણથી તેર વર્ષની વયના બાળકોનો સમાવેશ થાય છે. આ શ્લોકો હૃદયમાં ઉતારી લીધા છે. ઘણા એવા પણ હતા, જેઓને હજુ વાંચતા-લખતા આવડતું ન હોવા છતાં માતા-પિતાની મહેનત અને સંસ્થાના માર્ગદર્શનથી આ સિદ્ધિ હાંસલ કરી છે.

 

“સત્સંગ દીક્ષા” ગ્રંથ મહંત સ્વામી મહારાજે 87 વર્ષની વયે ફક્ત 64 દિવસમાં સ્વહસ્તે રચ્યો હતો. આ ગ્રંથમાં 315 શ્લોકો દ્વારા સદાચાર, વ્યસનમુક્તિ, ચારિત્ર નિર્માણ, સેવા, સમર્પણ, રાષ્ટ્રીય એકતા અને સર્વધર્મ સમભાવ જેવા મૂલ્યોનું સંવર્ધન કરવામાં આવ્યું છે. વડોદરા શહેર માટે ગૌરવની વાત છે કે, આ અભિયાનમાં શહેરના 1531 બાળકો 782 બાળક અને 749 બાલિકાઓ એ પણ સક્રિય ભાગ લઈ આ ઇતિહાસમાં પોતાનો યોગદાન આપ્યું છે.

 

ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો

 

આ બાલ-બાલિકાઓના સન્માન માટે અટલાદરા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. તેમાં તેમને મહા વિદ્વાનની માફક પાલખીમાં બેસાડી ભક્તોએ ખભા પર ઊંચકી પરિક્રમા કરાવી હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં તૈયાર કરાયેલા 60 યજ્ઞકુંડમાં આ બાળ વિદ્વાનોએ “સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ” કરી વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી.

લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ સમાચાર

 

    

આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પણ અભૂતપૂર્વ ગણાયો છે. આ મુખપાઠ દ્વારા નાનાં બાળકોમાં સંસ્કાર, એકાગ્રતા અને આત્મવિશ્વાસના બીજ વાવ્યા છે. જે તેના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મજબૂત પાયો સાબિત થશે.

(4:27 PM IST)