<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

મહીસાગર જિલ્લાના હાલોલ-શામળાજી હાઈવે પર હીટ એન્ડ રનની એક ભયાવહ ઘટના : કાર ચાલકે બાઈકચાલકને ટક્કર મારી લગભગ ત્રણથી ચાર કિલોમીટર સુધી ઢસડ્યો

હિટ એન્ડ રનનો ડ્રાઈવર મનીષ પટેલ નશામાં હતો અને મેહુલ પટેલ પણ કારમાં હતો,કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી

મહીસાગર તા.૨૯ : મહીસાગર જિલ્લાના હાલોલ-શામળાજી હાઈવે પર હીટ એન્ડ રનની એક ભયાવહ ઘટના સામે આવી છે. એક કાર ચાલકે બાઈકચાલકને ટક્કર મારી લગભગ ત્રણથી ચાર કિલોમીટર સુધી ઢસડ્યો હતો, જેનાં દૃશ્યો રૂંવાડાં ઊભાં કરી દે એવાં છે. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે બાઈક અને તેના ચાલકને પૂર ઝડપે મુખ્ય હાઈવે પર ઢસડવાનું ચાલુ રાખ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો અન્ય એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હવે વાયરલ થયો છે. બાજુમાંથી પસાર થતા વાહનચાલકોએ આ કારચાલકને રોકીને પોલીસને જાણ કરી હતી અને બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે નશામાં ધૂત કારચાલકની અટકાયત કરી છે, તેની કારને ડિટેન કરીને કાર સાથે તેને બાકોર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે.

મહીસાગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મંગળવારે રાત્રે મહીસાગર જિલ્લામાં નેશનલ હાઇવે 48 પર મોડાસાથી લુણાવાડા જતા રસ્તા પર એક કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી. પાછળ બેઠેલા વ્યક્તિ નીચે પડી ગયો. આ દરમિયાન બાઇક ચાલક બોનેટ પર પડી ગયો. આ દરમિયાન કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાઇવે પરથી પસાર થતી બીજી કારમાં સવાર એક મુસાફરે સમગ્ર હિટ એન્ડ રનની ઘટના રેકોર્ડ કરી અને ડ્રાઇવરને પકડી લીધો.

કારમાંથી દારૂની બોટલ મળી

મહિસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ હિટ એન્ડ રનની ઘટના બની હતી. હિટ એન્ડ રનનો ડ્રાઈવર મનીષ પટેલ નશામાં હતો અને મેહુલ પટેલ પણ કારમાં હતો. કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી.

(4:51 PM IST)