<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાનો ફાંસો ખાઈ આપઘાત !!: ઉદ્યોગજગતમાં ઘેરો શોક

પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર સમાજ અને ઉદ્યોગ વર્તુળમાં ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ :લાંબા સમયથી ડિપ્રેશનમાં હોવાની શક્યતા

સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાએ પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર સમાજ અને ઉદ્યોગ વર્તુળમાં ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ છે. ઉદ્યોગપતિએ વહેલી સવારે આ આત્યાંતિક પગલું ભર્યું હતું. આ ઘટનાથી ખત્રી સમાજ અને સમગ્ર ઉદ્યોગ આલમમાં શોકની લાગણી છવાઈ છે, અને એક સફળ ઉદ્યોગપતિ દ્વારા આ પ્રકારનું પગલું ભરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. 

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક રશ્મિન કાચીવાલા લાંબા સમયથી ડિપ્રેશનમાં હોવાની શક્યતા છે. રશ્મિન કાચીવાલા સુરતના સલાબતપુરા વિસ્તારની ખાંગડશેરી ખાતે આવેલા હનુમાનજીના મંદિરની બાજુમાં પત્ની સહિત પરિવાર સાથે રહેતા હતા. તેઓને એકનો એક પુત્ર છે જે હાલમાં અભ્યાસ અથવા વ્યવસાય અર્થે અમેરિકા ખાતે રહે છે. પિતાના આ સમાચાર સાંભળીને પુત્ર પણ ટૂંક સમયમાં સુરત પરત ફરશે. 

મૃતક રશ્મિન કાચીવાલા પલસાણાના ગુજરાત ઇકોટ ટેક્સટાઇલ પાર્કમાં જે.પી. કાચીવાલા નામથી પોતાનું મિલ યુનિટ ધરાવતા હતા. આ મિલ યુનિટની તમામ જવાબદારીઓ તેઓ પોતાના મોટાભાઈ ધર્મેશ કાચીવાલા સાથે સંભાળતા હતા. સુરતનું કાપડ ઉદ્યોગ ક્ષેત્રે તેમનું યોગદાન જાણીતું હતું, અને તેમના નિધનથી ઉદ્યોગજગતમાં એક ખાલીપો સર્જાયો છે.

પોલીસે આ ઘટના અંગે હાલમાં અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા અને ઉદ્યોગપતિએ આત્યાંતિક પગલું ભરવા પાછળનું સાચું કારણ શું છે તે શોધવા માટે પોલીસ દ્વારા ઝીણવટભરી કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ હવે પરિવારજનો અને નજીકના મિત્રોના નિવેદનોના આધારે તપાસને આગળ ધપાવશે.

(7:08 PM IST)