News of Friday, 31st October 2025
મોટી સફળતા : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૩૨ વાહન ચોરીના ગુનામાં 'બાબુ' ઉર્ફે 'અમૃત રાવળ' નામના માસ્ટરમાઈન્ડને ઝડપી લીધો!
પોલીસ કમિશ્નર મલ્લિકની સૂચનાથી DCP અજિત રાજિયાણના નેતૃત્વમાં PI જાડેજાની ટીમે કાર્યવાહી કરી : હિંમતનગરનો આરોપી અમૃત સવારે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન ડુપ્લીકેટ ચાવીથી એક્ટિવા અને મો.સા. ચોરી કરી ગરીબ વર્ગને વેચતો હતો : ૧૦ ગુનાનો ભેદ ઉકેલાયો

રાજકોટ : અમદાવાદ શહેરમાં મધ્યમવર્ગના લોકોના બાઇકની અવિરત ચોરીના બનાવો બાદ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી શરદ સિંઘલ સાથે ચર્ચા કરીને ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં પીઆઇ એસ. એ. જાડેજાની ટીમને મેદાને ઉતારવાનો નિર્ણય સાર્થક સાબિત થયો છે. ક્રાઇમ બ્રાન્ચે આખરે ૩૨ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા માસ્ટરમાઇન્ડ ચોર અમૃતને ઝડપી લીધો છે.
અમરાઇવાડીથી ઝડપાયો આરોપી
ક્રાઇમ બ્રાન્ચની ટીમે હ્યુમન સોર્સ, ટેકનિકલ માહિતી અને સીસીટીવી કેમેરાના આધારે અમદાવાદ શહેર, અમરાઇવાડી, નાગરવેલ હનુમાન મંદિર નજીકથી આરોપી અંબાલાલ ઉર્ફે બાબુભાઇ ઉર્ફે અમૃત સ/ઓ કાળાભાઈ રાવળ ને ચોરીના એક હોન્ડા એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો. આ આરોપી મૂળ સાબરકાંઠાના રાજપુર રાવળવાસનો રહેવાસી છે અને હાલ હીરાવાડી, ક્રુષ્ણનગર, અમદાવાદ ખાતે રહેતો હતો.
વધુ તપાસ દરમિયાન તેની પાસેથી બીજા ૩૧ હોન્ડા એક્ટિવા, મોટર સાયકલ અને લ્યુના મોપેડ સહિત કુલ ૩૨ ચોરીના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે કુલ ૧૦ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને બાકીના ટુ-વ્હીલર વાહનો સંબંધે પણ ગુના શોધી કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી
આરોપી અમૃતે વાહન ચોરીમાં સરળતા રહે તે માટે અમદાવાદ શહેર હીરાવાડી ખાતે ભાડાનું મકાન લીધું હતું. તેની મોડસ ઓપરેન્ડી મુજબ તે વહેલી સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યાના સમય દરમિયાન ડુપ્લીકેટ ચાવીથી એક્ટિવા અને મોટરસાયકલની ચોરી કરવાની ટેવ ધરાવતો હતો.
તેણે છેલ્લા ત્રણેક માસમાં અમદાવાદ શહેર ઉપરાંત કલોલ, દહેગામ તથા ગાંધીનગર વિસ્તારમાંથી પણ ટુ-વ્હીલર વાહનોની ચોરી કરી હતી. ચોરી કરેલા આ વાહનો તે દહેગામ તાલુકા, ડાકોર નજીકનો ગ્રામ્ય વિસ્તાર તથા હિંમતનગર તાલુકા વિસ્તારમાં ફેરી કરીને વેચાણ કરતો હતો. તે વેપાર-ધંધો કે મજૂરી કરતા ગરીબ વર્ગના વ્યક્તિઓને પાછળથી આર.સી. બુક આપવાનું કહીને ચોરી કરેલા વાહનો સસ્તામાં વેચી દેતો હતો.
પોલીસે આ સંદર્ભે વેચાયેલા અન્ય વાહનોની તપાસ કરીને તેમને રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
