<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

નવસારીમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલતા બીજી હત્યાનો પર્દાફાશ :પત્ની અને પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ: ધરપકડ

નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી એક બંધ પડેલી રાઈસ મિલમાંથી એક નિર્વસ્ત્ર મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે દુષ્કર્મ બાદ હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી હતી

નવસારીમાં એક મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસની તપાસ દરમિયાન પોલીસે અન્ય એક હત્યાનો પણ પર્દાફાશ કર્યો છે. આરોપીએ તેની પ્રેમિકા અને છૂટાછેડા લીધેલી પત્ની એમ બે મહિલાઓની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

 

2 દિવસ અગાઉ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી એક બંધ પડેલી રાઈસ મિલમાંથી એક નિર્વસ્ત્ર મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે દુષ્કર્મ બાદ હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી હતી. આ મામલે LCB અને ગ્રામ્ય પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના 100થી વધુ CCTV ફૂટેજની ચકાસણી કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ઓળખી કાઢ્યો હતો.પોલીસે આરોપી ફૈઝલ પઠાણની ધરપકડ કરી છે.

 

સમગ્ર મામલે પૂછપરછમાં સામે આવ્યું કે, ફૈઝલ તેની પ્રેમિકા રિયાને બારડોલીથી નવસારી લાવ્યો હતો. અહીં તેમની વચ્ચે ઝઘડો થતાં ફૈઝલે રિયાની હત્યા કરી નાખી હતી.આ હત્યાના કેસની તપાસ દરમિયાન પોલીસને એક ચોંકાવનારી હકીકત જાણવા મળી. આરોપી ફૈઝલ પઠાણે ત્રણ મહિના અગાઉ તેની છૂટાછેડા લીધેલી પત્નીની પણ હત્યા કરી હતી.ફૈઝલે તેની પત્નીની હત્યા પણ આજ બંધ રાઈસ મિલમાં કરી હતી અને તેના મૃતદેહને ત્યાં જ સંતાડી દીધો હતો.

 

પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરતા સ્થળ પરથી તેની પત્નીનું કંકાલ મળી આવ્યું હતું. પોલીસે કંકાલને કબજે કરી DNA ટેસ્ટ માટે મોકલી આપ્યું છે. DNA રિપોર્ટ આવ્યા બાદ પોલીસ બીજી હત્યાનો ગુનો પણ નોંધશે. આમ, નવસારી પોલીસને એક હત્યાનો ભેદ ઉકેલતા બીજી હત્યાનો પણ પર્દાફાશ કરવામાં સફળતા મળી છે.

(10:59 PM IST)