<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

ગુજરાતમાં ઓક્ટોબરમાં છેલ્‍લા ૨૪ વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૯૧.૭ મીમી પાણી નોંધાયુઃ‌ સામાન્‍ય કરતા પ ગણુ: ખેતીને પારાવાર નુકશાન

અમદાવાદ: રાજયમાં ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં થયેલો કમોસમી વરસાદ છેલ્લા બે દાયકાનો વિક્રમ તોડનારો સાબિત થયો છે. ભારતીય હવામાન વિભાગ ના આંકડાઓ અનુસાર, રાજ્યમાં ૧ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન સરેરાશ ૮૯ મિ.મી. વરસાદ નોંધાયો, જે ઓક્ટોબરના સામાન્ય વરસાદ ૨૦.૪ મિ.મી. કરતાં ૪.૫ ગણો વધારે છે.

હવામાન ખાતાના આંકડા મુજબ, ઓક્ટોબરમાં આટલો ભારે વરસાદ છેલ્લે ૧૯૯૯માં નોંધાયો હતો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૯૨.૯ મિ.મી. વરસાદ થયો હતો. ૧૯૦૧થી અત્યાર સુધીના ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે ઓક્ટોબર મહિનામાં આ પ્રકારનો ભારે વરસાદ એક અસામાન્ય ઘટના છે.

પ્રાદેશિક આંકડાઓ પર નજર કરીએ તો, ઓક્ટોબરમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ૯૧.૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જે આ વિસ્તારના સામાન્ય ૧૯.૦ મિ.મી. વરસાદ કરતાં લગભગ પાંચ ગણો વધુ છે. જ્યારે ગુજરાત પ્રદેશમાં ૮૬.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય ૨૨.૩ મિ.મી. કરતાં ચાર ગણો વધુ છે. IMDના ડેટા મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મુખ્યત્વે છ શહેરો અને નગરોમાં, જેમાં કંડલા, મહુવા, વેરાવળ અને ઓખાનો સમાવેશ થાય છે, અહીં ઓક્ટોબરનો વરસાદ અત્યાર સુધીના ટોચના ૧૦ વરસાદી રેકોર્ડમાં સામેલ છે.

એક  વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ અસામાન્ય વરસાદનું કારણ ચોમાસું સમાપ્ત થયા બાદ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં તે જ સમયે વિકસેલું ચક્રવાતી પરિભ્રમણ હતું. આ સિસ્ટમ એક સપ્તાહથી વધુ સમય સુધી મજબૂત રહેતા ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ઘણા ભાગોમાં સતત વરસાદ ખાબક્યો હતો. આ સાથે, ચાલુ વર્ષે રાજ્યમાં પાંચ મહિના સુધી નોંધપાત્ર વરસાદની મોસમ રહી હતી.

આ કમોસમી વરસાદે રાજ્યના અનેક ક્ષેત્રોને માઠી અસર પહોંચાડી છે. ખેતીવાડી પર તેની વ્યાપક અસર થઈ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મગફળીની સીઝન ખેડૂતોના હાથમાંથી જતી રહી છે અને કપાસના પાકમાં પણ મોટાપાયે નુકસાન થયું છે. આ ઉપરાંત, આરોગ્ય નિષ્ણાતોના મતે, સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે વાયરલ ચેપ સંબંધિત રોગોમાં પણ વધારો થયો છે.

(11:52 AM IST)