<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

રાજયમાં વરસાદી રોગચાળો અટકાવવા આરોગ્‍યમંત્રીની તાકીદેની બેઠક

અધિકારીઓને તાત્‍કાલિક પગલા લેવા સૂચના આપતા પ્રફુલ પાનસેરિયાઃ ગાંધીનગર ખાતે સ્‍થિતિની સમીક્ષા

ગાંધીનગરઃ  રાજ્યમાં હાલ કમોસમી વરસાદ થઈ રહ્યો છે, આ દરમિયાન રોગચાળો ફાટી ન નીકળે તે માટેની તૈયારીઓ અને આગમચેતીના પગલાં લેવા અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત શાખાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

મળતી માહિતી મુજબ બેઠકનો મુખ્ય હેતુ કમોસમી વરસાદ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો જેવા કે ઝાડા-ઉલટી, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનો ફેલાવો અટકાવવા માટેની વ્યૂહરચના તૈયાર કરવાનો હતો. મંત્રી પાનસેરિયાએ અધિકારીઓ સાથે આ અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.

 

મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અને પાણીના ભરાવા અટકાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, રોગચાળો ફાટી નીકળે તે પહેલાં જ નિવારક પગલાં લેવા આવશ્યક છે. મંત્રીએ રોગચાળાના સંભવિત વિસ્તારો પર સતત મોનીટરીંગ રાખવા અને કોઈપણ કેસ સામે આવે તો તેના પર ઝડપી કાર્યવાહી કરવા ભાર મૂક્યો હતો. બેઠકમાં હાજર અધિકારીઓએ ખાતરી આપી હતી કે મંત્રીની સૂચના મુજબની તમામ કાર્યવાહી અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવશે. આ નિર્ણય રાજ્યના નાગરિકોને રોગચાળાથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે.

(12:32 PM IST)