<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

અમદાવાદમાં પોક્સો કેસના આરોપીએ પેરોલ દરમિયાન બીજી વખત પોકસોનો ગુનો આચર્યોઃ આરોપી મોહમ્‍મદ રંગરેજને કોર્ટે ફટકારી ‘આજીવન કેદ’

અગાઉના ગુનાની ૧૦ વર્ષની સજામાંથી બોધ પાઠ ન લીધોઃ બાળકો સાથેનું વર્તન અક્ષમ્‍યઃ સખત સજા જરૂરીઃ સીટી સેશન્‍સ કોર્ટની આકરી ટિપ્‍પણી

અમદાવાદ: શહેરમાં પોક્સો કાયદા હેઠળના એક ગંભીર ગુનામાં વિશેષ પોક્સો કોર્ટે ગઇકાલે શનિવારે મોટો ચુકાદો આપ્યો હતો. અન્ય એક પોક્સો કેસમાં પેરોલ પર જેલમાંથી બહાર આવેલા આરોપીને બે સગીર બાળકીઓ પર જાતીય હુમલો કરવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

 સિટી સેશન્સ કોર્ટના વિશેષ પોક્સો જજ આરોપી મોહમ્મદ રંગરેજ ઉર્ફે કાલુને સખત સજા સંભળાવતાં જણાવ્યું હતું કે, “અગાઉના બળાત્કાર સંબંધિત ગુનાઓમાં ૧૦ વર્ષની સજા હોવા છતાં આરોપીએ તેમાંથી બોધપાઠ લીધો ન હતો અને વધુ એક ગુનાને અંજામ આપ્યો હતો.”

કોર્ટે ટિપ્પણી કરી હતી કે, જો આવા આરોપીને હળવી સજા આપવામાં આવે, તો સમાજમાં આવા ગુનાઓમાં વધારો થઈ શકે છે, અને જે યુવાનો સજાના ડરથી ગુનો કરતા નથી, તેમના પર પણ નકારાત્મક અસર પડી શકે છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, “અન્ય આરોપીઓ કે જેઓ સજા ભોગવીને સુધારો કરવા અને સમાજના ઉપયોગી સભ્ય બનવા માગે છે, તેમના પર પણ હળવી સજાની નકારાત્મક અસર થઈ શકે છે. આવા સંજોગોમાં ગુના માટે હળવી સજા લાદવાનું કોઈ ન્યાયિક કારણ નથી.”

(1:05 PM IST)