<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

તંત્રની ઘોર બેદરકારી: સરખેજ-ધોળકા રોડ પર 'મસમોટો ભૂવો', એકસાથે ૬ વાહનો ખાબક્યા

ફતેવાડી નજીક રોડ બેસી જતાં ભારે હાહાકાર: ટ્રક-આઇસર જેવા વાહનો સીધા ખાડામાં; સ્થાનિકોની ૨ મહિનાથી ફરિયાદ છતાં AMC માત્ર 'થીગડા' મારીને જતું રહ્યું

અમદાવાદ: અમદાવાદમાં રસ્તાઓ પર પડેલા ભૂવાઓને કારણે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના સરખેજના ફતેવાડીથી ધોળકા તરફ જતાં મુખ્ય માર્ગ પર એક મોટો ભૂવો પડતાં આજે સવારના સમયે ભારે હાહાકાર મચી ગયો હતો. આ ઊંડા ખાડામાં એકસાથે ૬ જેટલા વાહનો ખાબક્યા હતા, જેના કારણે વાહનચાલકોએ મહામહેનતે પોતાના વાહનો બહાર કાઢવા પડ્યા હતા.
સરખેજ-ફતેવાડીથી ધોળકા તરફ જતો એક બાજુનો આખો રોડ સાવ બેસી ગયો છે. આ રસ્તા પરથી ટ્રક, ટેમ્પો કે આઇસર જેવા કોઈપણ ભારે વાહનો પસાર થાય તો તે સીધા જ આ મસમોટા ખાડામાં ખાબકી રહ્યા છે. આસપાસના લોકોને ભારે ટ્રાફિક જામ, કાદવ-કીચડ અને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે બાઇક-સ્કૂટર ચાલકો અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી વેઠવી પડે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ રોડની સમસ્યા છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં વારંવાર અરજીઓ કરવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે AMC ના કર્મચારીઓ માત્ર 'થીગડા' મારીને જતાં રહે છે, અને કોઈ મોટું વાહન નીકળે એટલે ફરી મોટો ખાડો પડી જાય છે. કોઈ અધિકારી કે નેતા સ્થળની મુલાકાત લેવા પણ આવ્યા નથી.
લોકોમાં આક્રોશ છે કે આ બિસ્માર રસ્તાને કારણે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિકોએ વહેલી તકે આ રોડનું કાયમી સમારકામ કરવામાં આવે તેવી તીવ્ર માંગ કરી છે.

(4:54 PM IST)