News of Sunday, 2nd November 2025
અમદાવાદમાં બે ઋતુની અસરના કારણે રોગચાળો વકર્યો: સોલા સિવિલમાં 913 દર્દીઓને દાખલ કરાયા
શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેક્સનના કેસમાં વધારો થયો :સોલા સિવિલમાં એક સપ્તાહમાં 13,145 ઓપીડી નોંધાઈ

અમદાવાદ : ગુજરાતમાં બે ઋતુની અસરના કારણે રોગચાળો વકર્યો છે. જેમાં અમદાવાદમાં શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેક્સનના કેસમાં વધારો થયો છે. જેમાં સોલા સિવિલમાં એક સપ્તાહમાં 13,145 ઓપીડી નોંધાઈ છે જેમાં 913 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે અને ડેન્ગ્યુના 217 દર્દીઓના ટેસ્ટિંગમાં 50 પોઝિટિવ કેસ નોંધાયા છે, મલેરિયાના 512 કેસ, ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓનો વધારો જોવા મળે છે. જેના લીધે લોકોને લાંબી ક્તારમાં બેસવાની ફરજ પડે છે. જેમાં મોટાભાગના દર્દીઓ વાયરલ ફીવરના માલુમ પડ્યા છે. કોર્પોરેશન દ્વારા લોકોને સાવચેતી રાખવા પણ સુચના આપવામાં આવી રહી છે. જયારે શરદીના દર્દીઓને ફરજીયાત પણે માસ્કનો ઉપયોગ કરવા પણ સલાહ આપવામાં આવી રહી છે. વાતાવરણમાં વધેલા ભેજના પ્રમાણના લીધે લોકો બીમારીની ભોગ બની રહ્યા છે.
આ ઉપરાંત મચ્છરજન્ય બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય વિશે પણ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવ, નદી નાળાં, હવાડા, કેનાલમાં પાણી ભરાયેલ હોય તો તેમાં ગપ્પી માછલી નાખવાની સલાહ આપવામાં આવી છે જેથી કરીને તેનાં થકી મચ્છરના પોરાનો નાશ કરી શકાશે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
