News of Monday, 3rd November 2025
ડભોઇ APMCની ચૂંટણીમાં ભાજપનો જૂથવાદ :ધારાસભ્યએ કહ્યું-આપણા જ કેટલાક લોકો વિરોધીઓને મદદ કરી રહ્યા છે
ભાજપના ધારાસભ્ય શૈલેષ મેહતાએ જાહેર મંચ પરથી જ પોતાના જ કાર્યકરોને લઈને તીખા શબ્દોમાં આકરા પ્રહાર કર્યા

ડભોઇ તાલુકા કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC)ની આવનારી ચૂંટણીને લઈ ભાજપમાં આંતરિક જૂથવાદ ઉઘાડો પડ્યો છે. ભાજપના ધારાસભ્ય શૈલેષ મેહતાએ જાહેર મંચ પરથી જ પોતાના જ કાર્યકરોને લઈને તીખા શબ્દોમાં આકરા પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આપણા જ કેટલાક લોકો પાછળથી વિરોધીઓને મદદ કરી રહ્યા છે.
શૈલેષ મેહતાએ વધુમાં જણાવ્યું કે, આ લોકોના નામો હવે અમારાં સુધી પહોંચી ગયા છે. 10 તારીખે ચૂંટણી યોજાશે અને 11 તારીખે હું જાતે જ પૂછશ કે ભાજપની વિરુદ્ધ જઈને તમને શું મળ્યું?” તેમ કહી તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યએ ચેતવણીના સ્વરે કહ્યું કે “જે લોકો પોતાને અલગ સમજીને ગદ્દારી કરવા નીકળ્યા છે તેમને મારી ચેલેન્જ છે એક સીટ જીતાડીને બતાવો.
ભાજપની અંદર ચાલી રહેલા મતભેદો અને જૂથવાદના સંકેતોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ ગઈ છે. APMCની આ ચૂંટણીને રાજકીય પ્રતિષ્ઠા સાથે પણ જોડવામાં આવી રહી છે. શૈલેષ મેહતાના આ નિવેદન પછી સ્પષ્ટ થયું છે કે સ્થાનિક સ્તરે પક્ષમાં આંતરિક અસંતોષ વધ્યો છે અને કાર્યકરોના એક ભાગમાં વહીવટને લઈને અખાદ ઉમટી રહ્યો છે.
ડભોઇ APMCની ચૂંટણી 10 નવેમ્બરે યોજાશે. આ ચૂંટણી માત્ર કૃષિ બજાર સમિતિની નહિ, પરંતુ ભાજપની આંતરિક એકતા અને સંગઠન શક્તિની પણ કસોટી તરીકે જોવામાં આવી રહી છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ હવે સ્થિતિને સમતોલ બનાવવા માટે સક્રિય થવાની શક્યતા છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
