News of Tuesday, 4th November 2025
શું આપ અને બાપે ભેગા મળીને ખેડૂતોને જ બારોબાર ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યુ છે ? પરેશ ધાનાણી
કમોસમી વરસાદ વરસતા સહાયની માંગ સાથે ખેડૂતોની વ્હારે અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા તથા કોંગ્રેસના ધુરંધર તેજાબી વકતા આવ્યાઃ ખેડૂતોના હિતમાં અને ખેડૂતોને ન્યાય મળે તે માટે અમરેલી જિલ્લામાં જુદા જુદા સ્થળોએ એક સપ્તાહ માટે ‘ખેતી બચાવો સત્યાગ્રહ' પ્રતીક ધરણા : કમોસમી માવઠાની મોકાણથી તમામ પાક ઉપજો સંપૂર્ણ નાશ પામ્યો છતાંય પાક નુકસાનીના વળતર પેટે જો માત્ર રૂ. ૮,૦૦૦/- જેટલી સરકારી ભીખ ચૂકવાય તોય દાદાના દરબારમા ઉઘાડા પગે હાલીને મુજરો કરવાની ‘આપ'ની જાહેરાત કેટલી યોગ્યઃ પરેશ ધાનાણી : કમોસમી માવઠાની મોકાણથી ખેતી બચાવો સત્યાગ્રહના માધ્યમથી ગુજરાત રાજ્યની ભાજપ સરકાર પાસે માંગણીઃ સત્વરે લીલો દુષ્કાળ જાહેર કરાવો, ખેતીનુ સંપૂર્ણ પાક ધીરાણ માફ કરાવો, પાક નુકસાનીનુ સત્વરે વળતર ચૂકવો,નકલી ખાતર-બિયારણ ઉપર તવાઈ લાવો, ખેત ઓજારો રાહત દરે ઉપલબ્ધ કરાવો, સેટેલાઈટથી જમીન માપણી રદ કરાવો

રાજકોટ તા. ૪ :.. કમોસમી વરસાદ વરસતા સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખેડૂતો પણ ભાજપ સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે અને સહાયની માંગ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોની વ્હારે અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા તથા કોંગ્રેસના ધુરંધર તેજાબી વક્તા પરેશભાઈ ધાનાણી આવ્યા છે અને ખેડૂતોના હિતમાં અને ખેડૂતોને ન્યાય મળે તે માટે અમરેલી જિલ્લામાં જુદા જુદા સ્થળોએ એક સપ્તાહ માટે
‘ખેતી બચાવો સત્યાગ્રહ' પ્રતીક ધરણા શરૂ કર્યા છે.જગતના તાતની હાકલ પડી છે,સૌના સહયોગની જરુર પડી છે. તેમ પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું છે.
અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા તથા કોંગ્રેસના ધુરંધર તેજાબી વક્તા પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં ગઈકાલે અમરેલી જિલ્લાના વડીયા ખાતે આવેલ અતિથિ ગળહ પાસે તથા બપોર બાદ સરદાર ચોક, ગોકુલપરા બગસરા ખાતે ધરણા કરીને ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરીને ન્યાય આપવા માંગણી કરી હતી.
કોંગ્રેસના ધુરંધર નેતા પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં આજે તા.૪ ને મંગળવારે સવારે ૯ થી ૧૨, નાના બસ સ્ટેન્ડ પાસે ધારી ખાતે તથા બપોર બાદ ૨ થી ૫, મામલતદાર કચેરી પાસે ખાંભા ખાતે ધરણા યોજાયા છે.
કાલે તા.૫ ને બુધવારે સવારે ૯ થી ૧૨ આંબેડકર સર્કલ મુ. રાજુલા તથા બપોરના ૨ થી ૫ મામલતદાર કચેરી પાસે, મુ. જાફરાબાદ ખાતે તા.૬ ના સવારે ૯ થી ૧૨ લાઠી ચોક સર્કલ મુ. લીલીયા તથા બપોરે ૨ થી ૫ નગર પાલીકા ગ્રાઉન્ડ, મુ. સાવર કુંડલા ખાતે તા.૭ ના સવારે ૯ થી ૧૨ કડવા પટેલ સમાજ પાસે મુ. લાઠી ખાતે તથા બપોરે ૨ થી ૫ પેટ્રોલપંપ પાસે, ખાખરીયા રોડ મુ. બાબરા ખાતે તા.૮ ના રોજ સવારે ૯ થી ૧૨ રાજકમલ ચોક મુ. અમરેલી ખાતે કમોસમી માવઠાની કમઠાણ માં ખેડૂતોને ન્યાય મળે તે માટે ‘ખેતી બચાવો સત્યાગ્રહ' પ્રતીક ધરણા યોજાયા છે.
આ અંગે કોંગ્રેસના નેતા પરેશભાઈ ધાનાણીએ કમોસમી માવઠાની મોકાણથી ખેતી બચાવો સત્યાગ્રહના માધ્યમથી ગુજરાત રાજ્યની ભાજપ સરકાર પાસે માંગણી કરી છે કે સત્વરે લીલો દુષ્કાળ જાહેર કરાવો,ખેતીનુ સંપૂર્ણ પાક ધીરાણ માફ કરાવો,પાક નુકસાનીનુ સત્વરે વળતર ચુકવો, નકલી ખાતર-બિયારણ ઉપર તવાઈ લાવો, ખેત ઓજારો રાહત દરે ઉપલબ્ધ કરાવો, સેટેલાઈટથી જમીન માપણી રદ કરાવો, કળષિ ઉપજોની વિદેશી આયાત બંધ કરાવો, પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાવો,કળષિ ઉપજો ઉપરના તમામ કરવેરા રદ કરાવો,પાણી પત્રકની સરકારી રાહે નોંધ કરાવો,નકલી દૂધ ઉત્પાદનો ઉપર તવાઈ લાવો, પશુચારાની આગોતરી વ્યવસ્થા કરાવો સહિતની માંગણી પરેશભાઈ ધાનાણી તથા અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે.
પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું છે કે હાલ દિવાળીએ થઈ ગઈ છે હોળીને ખેડૂતોના સપના થયા છે ધુળ ધાણી,છે આભલે ઘન-ઘોર વાદળો છવાયાને સાત-સાત દી'થી હજુ સુરજ ખોવાયા,ચોંધાર વરસાદે ઉભા મોલ તો મુરઝાયાને હતા ખેતરમા પડેલા પાથરા પણ તણાયા,માંડવીના દાણે દાણે ફુટી ગઈ મુંછોને કપાસના ઝીંડવે કાઢયા છે ફરી કોટા,ઠાલા વચનોથી હજુ કરજ નો ભરાયાને ત્યાં સુકી સીંગે ફરીથી ઉગી ગયા સોયા,ખેડૂતોની સાવ ખાલી રહી ગઈ છે ઝોળીને તોય સર્વેના નાટક કરે છે મંત્રીઓની ટોળી,જુના પેકેજ તો ભલે સાવ ભુલાયા પણ હવે તો ખેડૂતોના આંસુ લુંછો મારા રોયા,હવે ખેડૂતોના કરજો બધાય દેવા માફ, નહી તો થઈ જશે કાદવ બધોય સાફ.!
આ છે કમોસમી માવઠાની કમઠાણ
પરેશભાઈ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે ભીખ નહી, અધિકાર જોઈએ છે.સરકારના ખોળે બેસવા માટે તમારા ભાવ નક્કી કરો એનો વાંધો નહી પણ ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મુકયા તો તમારી ખેર નથી.!કમોસમી માવઠાની મોકાણથી તમામ પાક ઉપજો સંપુર્ણ નાશ પામી છતાંય પાક નુકસાનીના વળતર પેટે જો માત્ર રૂ. ૮,૦૦૦/- જેટલી સરકારી ભીખ ચૂકવાય તોય દાદાના દરબારમા ઉધાડા પગે હાલીને મુજરો કરવાની ‘આપ'ની જાહેરાત.!
શું આપ અને બાપે ભેગા મળીને ખુદ જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહેલા જગતના તાત ને જ બારોબાર ગીરવે મુકવાનુ ષડયંત્ર રચ્યુ છે..?મને વિશ્વાસ છે કે ગુજરાતનો ખેડુ કોઈ નેય કુલડીમાં ગોળ ભાંગવા નહી દે..કમોસમી માવઠાની કમઠાણ સામે ખેતી બચાવો સત્યાગ્રહ થકી ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે.
પરેશભાઈ ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે, જગતના તાતને, જીવવા દેજો,ખેતીવાડી ખાતાની સલાહ, કળષિ તજજ્ઞોના અભિપ્રાય તેમજ ખેડૂતોની કોઠા સૂઝથી કાઢેલા પ્રાથમીક અંદાજો મુજબ ખરીફ -૨૦૨૫ ની મોસમ દરમિયાન વાવેતર કરેલી મગફળીનો વિઘા દીઠ ઓછામાં ઓછો અંદાજીત ઉત્પાદન ખર્ચ રુ. ૧૭૩૫૫/- તથા પ્રાથમીક ઉતારાના અંદાજો મુજબ વિઘા દીઠ, સરેરાશ ૨૦ મણ ઉપજની ટેકાના ભાવે કિંમત, રૂા. ૨૯૦૪૦/- અને પલળી ગયેલા પાલાની કિંમત રૂા. ૫૦૦૦/- ગણાય.આમ કમોસમી માવઠાની મોકાણથી સરેરાશ ખેડૂતોને કુલ મળીને અંદાજીત રૂા. ૫૧૩૯૫/-જેટલુ પાક નુકસાન થયુ હોવાનો અંદાજ છે. હવે તમે જ કહો કે ખેડૂતોને વિઘા દીઠ નુકસાનીનુ અધિકારીક વળતર મળવુ જોઈએ કે પછી માત્ર રૂા. . ૮૦૦૦/- ની સરકારી ભીખ ? જિલ્લા કલેકટર, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અમરેલીને અમરેલી શહેર કોંગ્રેસના મહામંત્રી નરેશભાઈ અધ્યારૂએ પત્ર પાઠવીને જણાવ્યું છે કે તા.૦૩/૧૧/૨૦૨૫ થી તા.૦૮/૧૧/૨૦૨૫ સુધી ખેડુતોને વરસાદી આફત સામે ખેત દેવા માફી બાબતે ધરણા અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમની માઇક સાથે મંજુરી આપવા માંગણી કરી છે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરનાં વરસાદી આફતોમાં જિલ્લાનાં કિસાનોની ખેતીના પાકો સંપુર્ણ નાશ થવાથી કિસાન (ખેડૂતો) લાચાર અને નિઃસહાય થયો છે ત્યારે રાજ્ય સરકારશ્રીની પ્રાથમિક ફરજમાં આ કુદરતી આફત સામે કિસાનોને સંપુર્ણ દેવા માફી અંગે રજુઆત સંદર્ભે સમગ્ર જિલ્લામાં નીચે મુજબના કાર્યક્રમ પ્રમાણે અમોએ અમારા કિસાન આંદોલન અંગે ધરણા અને આવેદનનો કાર્યક્રમ સંબંધિત પ્રાત કચેરી તાલુકા મથકોએ રાખેલ છે.
આ આયોજન સંપુર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે સરકારશ્રીને રજુઆત અર્થે જ હોય જે અંગે જરૂરી પરમીશન સમગ્ર જિલ્લામાં આપવા માંગણી કરી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંબંધિત આયોજન સંપુર્ણ ન્યાયીક અને ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક ધરણાના માધ્યમથી અમારી લાગણી અને વાચા આપવા જરૂરી પરમીશન આપવા નરેશભાઈ અધ્યારૂએ માગણી કરી છે.આ અંગે જિલ્લા પોલીસ વડા, અમરેલી- સંબંધિત કાર્યક્રમ અંગે સાનુકુળ અભિપ્રાય અને બંદોબસ્ત આપવા અંગે રજૂઆત કરી છે.
પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલીયાને આડેહાથ લીધા
રાજકોટ તા. ૪ :.. શિયાળાના આગમન સમયે અરબી સમુદ્રના ડિપે્રશનના કારણે ખાબકેલા ધોધમાર કમોસમી વરસાદને ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. માવઠાના મારથી ખેડૂતોને થયેલા નુકસાન માટે સરકારે સર્વે કરાવવાની જાહેરાત કરી છે, ત્યારે આજથી કોંગ્રેસ દ્વારા પાક નુકસાનીના વળતર માટે વડિયાથી ‘ખેડૂત સત્યાગ્રહ'ની શરૂઆત કરવામાં આવી છે.જેમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર અને આમ આદમી પાર્ટીને ચાબખા માર્યા હતા.
ગોપાલ ઈટાલિયાની જાહેરાત અંગે પરેશ ધાનાણીએ જણાવ્યું કે, વિસાવદરમાં ખેડૂતોએ તને ખભે બેસાડીને ચૂંટીને મોકલ્યો હતો. અમારા વીઘે ૫૦ હજાર ધોવાયા અને તું ૮ હજારમાં સોદો કરી નાંખે છે. ગોપાલ ઇટાલિયાએ દાદાના ખોળે બારોબાર ઉઘાડા પગે મુજરો કરવાનું વચન આપી ગુજરાતના ખેડૂતોને ૮ હજારમાં ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું છે. તમારે વેચાવું હોય, તો વેચાવ બાકી અમારું પેકેજ અમારો ખેડૂત જ નક્કી કરશે. કમોસમી વરસાદથી ખેડૂતોને ગીરવે મૂકવાનું કામ કર્યું છે, તો ખેડૂતો તને માફ નહીં કરે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે વરાછાથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને પણ અભિનંદન આપ્યા હતા. કુમાર કાનાણીએ માવઠાથી પીડિત ખેડૂતો માટે સરકારમાં પત્ર લખ્યો હતો, જે બદલ પ્રતાપ દૂધાતે તેમને બિરદાવતા જણાવ્યું કે, આ ભાજપ-કોંગ્રેસની વાત જ નથી, પરંતુ ખેડૂતોને બચાવવાની વાત છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
