<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

'વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-શાસનની આવશ્યકતા' વિષય પર 'અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા'નું ત્રીજું સત્ર યોજાયું

ગુજરાત શાસન અને સુધારામાં દેશમાં અગ્રેસર : 'ફાસ્ટ મૂવિંગ' શ્રેણીમાં પણ રાજ્યનું સ્થાન - નીતિ આયોગના સભ્ય રાજીવ ગૌબા

ગાંધીનગર, તા. 4 : સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ અંતર્ગત સ્પીપા દ્વારા ધી સેક્રેટરીએટના સહયોગથી સ્પીપાના ગાંધીનગર કેમ્પસ ખાતે તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના ત્રીજા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા આ વ્યાખ્યાનમાળાનું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન થઈ રહ્યું છે. ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-શાસનની આવશ્યકતા’ વિષય પર આયોજીત આ સત્રમાં વિકસિત ભારત@૨૦૪૭ અંતર્ગત અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
ગુજરાતની અગ્રેસરતા:
આ પ્રસંગે મુખ્ય વક્તા, નીતિ આયોગના સભ્ય અને ભારત સરકારના પૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પ્રોજેક્ટ જેવા ફેરફાર થકી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. જેને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ GSTની રચના, માળખાગત સુવિધાઓનું વિસ્તરણ અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝન થકી આગળ ધપાવ્યો છે.
રાજીવ ગૌબાએ કહ્યું હતું કે, વડાપ્રધાનના વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત મહત્વનો ફાળો આપી રહ્યું છે. ગુજરાત અન્ય ક્ષેત્રોની જેમ શાસન અને સુધારામાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. લાંબા ગાળાની વ્યૂહાત્મક વિચારસરણી માટે કેન્દ્ર સરકારની પ્રેરણાથી ગુજરાત રાજ્ય ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) ની સ્થાપના કરીને ગુજરાતે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત સરકારના નવીનતમ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન રેન્કિંગ્સમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હતું, જે 'ફાસ્ટ મૂવિંગ' ની શ્રેણીમાં સ્થાન પામ્યું હતું, જે તેની પ્રગતિશીલતા અને વ્યવસાય-મૈત્રીપૂર્ણ નીતિ દર્શાવે છે.
આર્થિક પ્રદર્શન અને પહેલ:
વધુ વિગતો આપતા રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે, CAG રિપોર્ટ-૨૦૨૩ અનુસાર ગુજરાતમાં ૧૦૧ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU) આવેલા છે. વળી, ગુજરાત વિદેશી સીધા રોકાણ (FDI) આકર્ષવામાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજા ક્રમે છે. ગુજરાત દેશના પ્રથમ વાણિજ્યિક સેમિકન્ડક્ટર અને પ્રથમ ખાનગી ક્ષેત્રની એરક્રાફ્ટ ઉત્પાદન પહેલનું યજમાન પણ રહ્યું છે, જે દર્શાવે છે કે ગુજરાત વ્યવસાય સુધારણાની કાર્યવાહીમાં અન્ય રાજ્યો કરતાં સતત વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે.
નીતિઓ અને રોકાણ વિશે ગૌબાએ કહ્યું હતું કે, ગુજરાતે તાજેતરમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) નીતિ શરૂ કરી છે. જેનો હેતુ ૨૫૦ નવા GCCs ને આકર્ષવાનો, રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ એકત્ર કરવાનો અને મૂડી સબસિડી તથા અન્ય પ્રોત્સાહનો આપીને મોટી સંખ્યામાં કુશળ નોકરીઓનું સર્જન કરવાનો છે. વધુમાં, ભારતના તમામ રાજ્યોમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત પોર્ટ-લેન્ડના વિકાસ અને વિકસિત ભારત ૨૦૪૭ના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણાય છે.
આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લા, આયોજન સચિવ આર્દ્રા અગ્રવાલ, નીતિ આયોગના OSD મિહિર વાડેકર, પૂર્વ મુખ્ય સચિવ જે.એન.સિંઘ સહિત સામાન્ય વહીવટ વિભાગ તથા સ્પીપાના અધિકારીઓ-કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજીવ ગૌબા વિશે પરિચય: નીતિ આયોગના સભ્ય રાજીવ ગૌબા વર્ષ ૧૯૮૨ બેચના ઝારખંડ કેડરના IAS હતા. તેમણે ઓગસ્ટ ૨૦૧૯થી ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન કેન્દ્રીય કેબિનેટ સચિવ તરીકે સેવાઓ આપી હતી. તેઓ સૌથી લાંબા સમય સુધી કાર્યરત રહેલા કેબિનેટ સચિવ તરીકે, COVID-19 મહામારી માટેની તૈયારીમાં તેમજ Ease of Doing Business જેવી વિવિધ મહત્વની પહેલોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કેબિનેટ સચિવ બનતા પહેલાં તેમણે ગૃહ સચિવ તરીકે પણ જવાબદારી સંભાળી હતી.

 

(1:20 PM IST)