<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ગાંધીનગર ભાજપ સંગઠન દ્વારા અચાનક નૂતન વર્ષના સ્નેહ મિલનને મારી બ્રેક : નવા હોદેદારોની થશે વરણી

નવા હોદ્દેદારોની વરણી બાદ સમારંભો યોજાય તો તેઓને પાયાના કાર્યકરો સાથે સીધા પરિચયની તક મળી શકે

ગાંધીનગર ભાજપ સંગઠને દર વર્ષની પરંપરા મુજબ નૂતન વર્ષના સ્નેહ મિલન સમારંભો યોજવાની શરૂઆત કરી દીધી હતી. ચાર વોર્ડમાં આવા સમારંભો યોજાયા બાદ અન્ય બે વોર્ડમાં પણ કાર્યક્રમની તારીખ અને સમય જાહેર થઈ ગયા હતા. સ્થાનિક કાર્યકરો દ્વારા સમારંભની તૈયારીઓને આખરી ઓપ અપાતો હતો ત્યારે અચાનક જ આગલી સાંજે સંગઠને સમારંભ મોકૂફીની જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાત પાછળ નક્કર કારણ જવાબદાર હોવાનું માનતા સૂત્રોને આ પગલા માટે નવા હોદ્દેદારોની વરણીની શક્યતા જવાબદાર લાગી રહી છે. ગાંધીનગરમાં ભાજપે વોર્ડના પ્રમુખો અને મહાનગરના પ્રમુખની વરણી જાહેર કરી દીધી છે પરંતુ શહેર સંગઠનમાં હજુ જૂના હોદ્દેદારો જ સ્થાન ધરાવે છે.

સ્થાનિક સંગઠનમાં વ્યાપક ફેરફાર બાદ કેટલાક જૂના હોદ્દેદારોનો રસ ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે, જ્યારે નવા માળખામાં કેટલાક હોદ્દેદારોની સ્પષ્ટ અવગણના થતી હોવાનું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. આમ, એકંદરે ગાંધીનગર ભાજપમાં હાલની સ્થિતિએ ઘણી બધી અસમંજસ અને અસ્થિરતા પ્રવર્તી રહી છે. સૂત્રો પાસેથી મળથી માહિતી મુજબ, નવા મંત્રી મંડળની રચના બાદ ભાજપ દ્વારા પ્રભારી મંત્રીઓની જાહેરાત કરી દેવાઈ છે. ગાંધીનગરના પ્રભારી મંત્રી તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી યથાવત રહ્યા છે. હવે ગણતરીના દિવસોમાં નિરીક્ષકોની નિમણૂક થવાની શક્યતા છે. નિરીક્ષકો દ્વારા મહાનગરના માળખા માટે ત્રણ અથવા ચાર મહામંત્રીઓની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે સંગઠનમાં અન્ય મહત્ત્વના હોદ્દાઓ માટે પણ પેનલ તૈયાર કરવામાં આવશે.

આ સમગ્ર પ્રક્રિયા આગામી એક સપ્તાહમાં પૂરી થઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, મહાનગર સંગઠનમાં મહામંત્રીઓ સહિતના હોદ્દાઓ અત્યંત મહત્ત્વના છે. નવા હોદ્દેદારોની વરણી બાદ સમારંભો યોજાય તો તેઓને પાયાના કાર્યકરો સાથે સીધા પરિચયની તક મળી શકે. સાથે મોટા સ્ટેજ પર સન્માન સાથે કાર્યકાળની શરૂઆત થાય તો હોદ્દેદારોનો ઉત્સાહ પણ જળવાઈ રહે. તેવી ગણતરી સાથે વોર્ડ-3, 4, 9, 10માં સ્નેહ મિલન સમારંભો યોજાયા બાદ અન્ય સ્થળે તેના આયોજનો મોકૂફ રખાયા છે.

(7:25 PM IST)