<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

કાલે અમદાવાદમાં પુનિત મહારાજ સ્‍થાપિત ‘જનકલ્‍યાણ માસિક'નો અમૃત મહોત્‍સવ

સત્‍કાર સમારંભ, સંતો-મહંતોના આશીર્વચન, પુનિત રામાયણ ગ્રંથનું વિમોચન

રાજકોટઃ સંત શ્રી પુનિત મહારાજ દ્વારા સ્‍થાપિત જન કલ્‍યાણ માસિક ના ૭૫ વર્ષ નિમિતે આવતીકાલ તા.૯ના રવિવારે વસ્‍ત્રાલ શ્‍યામાપ્રસાદ મુખર્જી હોલ, અમદાવાદ ખાતે અમૃત મહોત્‍સવ નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવ સવારે ૯ કલાકે શરૂ થઈ સાંજે ૭ કલાકે પૂર્ણ થશે.

મહોત્‍સવ ઉજવણી દરમ્‍યાન સવાર ના સત્ર માં જનકલ્‍યાણ ના એજન્‍ટો નો સત્‍કાર કરવામાં આવશે જ્‍યારે બપોરે ૪ થી ૭ ના સત્ર માં પૂ.ભુપેન્‍દ્રભાઈ પંડ્‍યા (ભાગવતાચાર્ય), પૂ. દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિર) સહિત સંતોના પ્રેરક આશીવચનાનો લાભ પ્રાપ્ત થશે. પુનિત જન કલ્‍યાણના અમૃત મહોત્‍સવની  સ્‍મરણિકા તથા નવ પલ્‍લવિત પુનિત રામાયણ ગ્રંથનું વિમોચન કરવામાં આવશે. પુનિત અંશ પૂ.આનંદ જનક મહારાજ ની નિશ્રામાં પુનિત સેવા ટ્રસ્‍ટ દ્વારા  આયોજન કરવામાં આવ્‍યું છે. સમગ્ર પુનિત પરિવાર દ્વારા કાર્યક્રમને લઈ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

પ્રાંત સ્‍મરણીય સંત શ્રી પુનિત મહારાજ દ્વારા જેની સ્‍થાપના કરી શુભારંભ કરવામાં આવ્‍યો હતો. તે જીવનલક્ષી માસિક પત્ર જનકલ્‍યાણને સુજ્ઞ વાચકો દ્વારા સંસ્‍કારની પાઠશાળાનું બિરુદ આપવામાં આવ્‍યું છે. આ રીતે લોકોના જીવન ઘડતરની સાથે સાથે પેઢી દર પેઢી સુધી સંસ્‍કારોનું સિંચન કરનાર ‘‘જનકલ્‍યાણ'' ૭૫માં વર્ષમાં પ્રવેશી ચુક્‍યું છે. ગુજરાતીઓના કુટુંબોમાં સંસ્‍કારોના સિંચન સાથે સમાજને ઉપયોગી થાય તેવા સાહિત્‍યના પ્રચાર અને પ્રસારના ઉમદા હેતુ સાથે ‘‘જનકલ્‍યાણ'' માસિક પત્ર નો ઈ.સ.૧૯૫૧માં શુભારંભ કરવામાં આવ્‍યો હતો. પ.પૂ. સંત શ્રી પુનિત મહારાજના શુભાશીષ સાથે પ્રકાશન કાર્યના કપરા સંજોગોની વચ્‍ચે એકપણ જાહેરાત વિના આજદિન પર્યત તે નિયમિત રૂપે પ્રકાશિત થઈ રહ્યું છે. ઈ.સ.૨૦૨૧ અને ૨૦૨૨માં કોરોના મહામારીના કઠિન સમય દરમિયાન પણ જનકલ્‍યાણ નિયમિત રૂપે પ્રગટ ગઈ રહ્યું હતું. તેમ જણાવાયું છે.

જનકલ્‍યાણ માસિકની આ ૭૫ વર્ષની સુદીર્ધ યાત્રા દરમિયાન સંત શ્રી પુનિત મહારાજના સ્‍વધામ ગમન બાદ પ.પૂ.શ્રી કૃષ્‍ણશંકર શાસ્‍ત્રીજી (દાદાજી) એ આજીવન પર્યત ‘‘માનદ તંત્રી'' તરીકે પોતાની સેવાઓ આપી હતી. તથા શ્રી ચંદુભાઈ પ્રજાપતિ ‘‘પુનિત પદરેણુ'' એ તંત્રી પદની ધુરા સંભાળી લીધી હતી. તેઓના નિધન બાદ શ્રી દેવેન્‍દ્રભાઈ ત્રિવેદી એ જનકલ્‍યાણના તંત્રી પદને ઘણા વર્ષો સુધી તે નિભાવ્‍યું હતું કોરોના કાળ દરમિયાન ૨૦૨૧માં તેઓના નિધન બાદ ડો.હરિશભાઈ ત્રિવેદીએ તંત્રી તરીકેની મહત્‍વપૂર્ણ જવાબદારી સ્‍વીકારી અને જનકલ્‍યાણની એ પુનિત પરંપરાને સુંદર રીતે તેઓ આગળ વધારી રહ્યા છે.

‘જનકલ્‍યાણ' માસિકના આ ૭૫માં વર્ષના અમૃત મહોત્‍સવની ઉજવણીના ભાગરૂપે તા.૦૯ના રવિવારે કાર્યક્રમ સાથે સંસ્‍થાના પરિચય અને સંસ્‍થા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પુસ્‍તકોની સાથે ‘‘અમૃત મહોત્‍સવ સ્‍મર્ણિકા''નું પ્રકાશન કરવાનો શ્રી પુનિત સેવા ટ્રસ્‍ટ દ્વારા નિર્ધાર કરવામાં આવ્‍યો હોવાનું જણાવાયું છે.

 

(1:56 PM IST)