હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતમાં RFO સોનલ સોલંકી પર ગોળીબાર: મગજમાં ઘૂસી ૭MMની ગોળી: RFOઓ સોલંકીની સ્થિતિ અત્યંત નાજુક
પતિ નિકુંજ ગોસ્વામી ભૂગર્ભમાં: ઘટના બાદ નિકુંજ ગોસ્વામી થેલો લઇ ઘરેથી નીકળી ગયો હતો, તેના ત્રણેય મોબાઇલ બંધ, પોલીસની ટીમ દ્વારા સઘન શોધખોળ, બનાવ સમયે ચાર વર્ષનો પુત્ર કારમાં હાજર હતો

સુરતના અડાજણ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર થયેલા ગોળીબારની ઘટનાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. કામરેજ નજીક તેમની કારમાં થયેલા આ હુમલા બાદ સોનલ સોલંકીની સ્થિતિ અત્યંત નાજુક છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેમને ૭ એમ.એમ.ની ગોળી મગજની જમણી બાજુથી વાગીને ડાબી બાજુથી બહાર નીકળી ગઈ હતી. જેના કારણે મગજ, જમણી આંખની નસો અને શરીરના તાપમાન-હોર્મોન્સને નિયંત્રિત કરતા ભાગોને ગંભીર નુકસાન પહોંચ્યું છે, અને હાલ તેમનું બ્રેઇન ઇનએક્ટિવ હોવાથી સુધારાની શક્યતા અનિશ્ચિત છે.
આ ચકચારી ઘટનામાં તેમના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી મુખ્ય શંકાના દાયરામાં છે. સોનલ સોલંકીના ભાઈ હાર્દિક સોલંકીએ નિકુંજ, તેમના પરિવારજનો અને અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં સોનલ અને નિકુંજ વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી ચાલતા કૌટુંબિક ઝઘડા અને કોર્ટ કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે હત્યાના પ્રયાસનું સંભવિત કારણ હોઈ શકે છે.
ફાયરિંગની ઘટના બન્યા બાદથી જ નિકુંજ ગોસ્વામી પોતાના ત્રણેય મોબાઇલ ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે તેમની શંકાસ્પદ હરકતોને ધ્યાનમાં રાખીને તેમને મુખ્ય આરોપી માની લીધા છે. ડીએસપી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ LCB પીઆઈ આર.બી. ભટોળ સહિત આઠ અલગ-અલગ ટીમો બનાવીને નિકુંજ ગોસ્વામીને શોધવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને સંબંધીઓ સહિત ૧૦-૧૫ શંકાસ્પદોની પૂછપરછ કરી છે.
પોલીસને શંકા છે કે નિકુંજે કદાચ આ ગોળીબાર જાતે કર્યો હોય અથવા કોન્ટ્રાક્ટ કિલરને સોપારી આપી હોય. ઘટના સમયે કારમાં હાજર તેમના ચાર વર્ષીય પુત્ર શિવાશે પોલીસને જણાવ્યું કે, "મમ્મી પાસે ફટાકડો ફૂટ્યો હતો." આ ભેદી ફાયરિંગનું સમગ્ર રહસ્ય ફરાર આરોપી નિકુંજ ગોસ્વામી પકડાયા બાદ જ ઉકેલાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
