News of Sunday, 9th November 2025
સુરતના મહિધરપુરામાં રેલવે સ્ટેશન નજીક ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારનો પર્દાફાશ :2 બાંગ્લાદેશી સહિત 5 મહિલાઓ મુક્ત કરાવી: 5 લોકો ઝડપાયા
બે બાંગ્લાદેશી અને ત્રણ પશ્ચિમ બંગાળની મહિલાઓ સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવાઈ :પોલીસે ગેસ્ટ હાઉસ સંચાલક અને ગ્રાહકો સહિત પાંચ લોકોની ધરપકડ કરી:ત્રણ વોન્ટેડ જાહેર કરાયા

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીક ચાલતા બે ગેસ્ટ હાઉસમાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં દેહવ્યાપારના ધંધામાં ધકેલાયેલી બે બાંગ્લાદેશી અને ત્રણ પશ્ચિમ બંગાળની મહિલાઓ સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી. પોલીસે ગેસ્ટ હાઉસ સંચાલક અને ગ્રાહકો સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ વોન્ટેડ જાહેર કરાયા છે.
AHTUને 8 નવેમ્બર 2025ના રોજ બાતમી મળી હતી કે, સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં બાંગ્લાદેશી અને અન્ય મહિલાઓને રાખીને મોટા પાયે દેહવ્યાપારનો વ્યવસાય ચલાવવામાં આવી રહ્યો છે. આ માહિતીની ખરાઈ કરવા માટે AHTUની ટીમે મહિધરપુરા પોલીસને સાથે રાખીને ગુપ્ત રીતે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં માહિતીની ખરાઇ થયા બાદ પોલીસ સાથે સંયુક્ત રીતે સુરત સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન નજીકના પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં એકસાથે રેઇડ કરી હતી.
આ ઓપરેશન દરમિયાન પોલીસ ટીમને ગેસ્ટ હાઉસની અંદરથી દેહવ્યાપારની ગતિવિધિઓ ચાલતી જોવા મળી હતી. રેઇડ દરમિયાન, પોલીસે પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ અમાલાભાઈ ગામીતને સ્થળ પરથી દબોચી લીધો હતો, જે દેહવ્યાપારના વ્યવસાયનું સંચાલન કરતો હતો અને મહિલાઓને મળતી રકમમાંથી કમિશન પણ મેળવતો હતો. તેની સાથે રાત્રી દરમિયાન હોટલ સંભાળવામાં અને મદદગારી કરવામાં સંડોવાયેલા અન્ય એક ઈસમની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, દેહવ્યાપાર માટે આવેલા કુલ ત્રણ ગ્રાહકોને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. બંને ગેસ્ટ હાઉસમાંથી 2 બાંગ્લાદેશી અને 3 પશ્ચિમ બંગાળ (કોલકત્તા)ની મહિલાઓ મળી કુલ પાંચેય મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી અને તેમને યોગ્ય કાઉન્સેલિંગ પણ પૂરું પાડ્યું હતું. આ દરોડા દરમિયાન, વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. તેને તેમજ દેહવ્યાપારના આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય બે ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમની સઘન શોધખોળ શરૂ કરી છે.
પોલીસે ગુન્હાના કામે કુલ રૂપિયા 50,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં 6 મોબાઈલ ફોન, રોકડા રૂ. 10,500 અને અન્ય વાંધાજનક વસ્તુઓનો સમાવેશ થાય છે. સુરત શહેરના રેલવે સ્ટેશન જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં આ પ્રકારે ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને તેમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
