<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિત રાજયભરમાં શિયાળો જામતો જાય છે : આગામી સપ્તાહમાં ર થી ૩ ડીગ્રી પારો ગગડશે

હવામાન વિભાગની આગાહી : આગામી ૪ થી પ દિવમાં લઘુત્તમ તાપમાનમાં ર થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના : શિયાળાની શરૂઆતમાં જ કચ્‍છનું નલિયા ઠંડુગાર બની ગયું : આગામી દિવસોમાં અહીં તાપમાન ૧૦ થી ૧ર ડિગ્રી સુધી નીચે જવા સંભાવના : આગામી સપ્તાહે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૩ થી ૧૪ ડિગ્રી રહેવાનો અંદાજ : શહેરીજનોને ડબલ ઋતુમાંથી મુકિત મળી શુદ્ધ શિયાળાનો અનુભવ થશે : સૌથી વધુ અસર : કચ્‍છનું નલિયા અને પાટનગર ગાંધીનગર રાજયના સૌથી ઠંડા શહેરો બની રહેવાની શકયતા : નિષ્‍ણાતોનો મત : ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે.

ગાંધીનગર : વિસ્‍તૃત વિગતો જોઇએ તો ગુજરાત રાજયમાં દિવાળી બાદ હવે ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ અને વિવિધ વેધર રિપોર્ટસ અનુસાર, આગામી સપ્તાહથી રાજયમાં ઠંડીનું જોર વધવાની પ્રબળ શકયતાઓ છે. ખાસ કરીને સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ઉત્તર ગુજરાતના વિસ્‍તારોમાં તાપમાનનો પારો નીચે ઉતરતા લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આગામી અઠવાડિયામાં રાજયના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ર થી ૩ ડિગ્રી સેલ્‍સિયસ જેટલો ઘટાડો નોંધાઇ શકે છે. હાલમાં રાજયના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન ૧૬ થી ૧૮ ડિગ્રીની આસપાસ નોંધાઇ રહ્યું છે. જે ઘટીને ૧૩ થી ૧પ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચવાની શકયતા છે.

સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ‘કોલ્‍ડ' કન્‍ડિશન : શિયાળાની શરૂઆતમાં જ કચ્‍છનું નલિયા ઠંડુગાર બની ગયું છે. આગામી દિવસોમાં અહીં તાપમાન ૧૦ થી ૧ર ડિગ્રી સુધી નીચે જવાની ભીતિ છે. આ ઉપરાંત સૌરાષ્‍ટ્રના રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જેવા શહેરોમાં પણ વહેલ સવારે અને મોડી રાત્રે ઠંડીનું પ્રમાણ વિશેષ જોવા મળશે. ખુલ્લા વિસ્‍તારોમાં શીત લહેર જેવો અહેસાસ થઇ શકે છે.

ઉત્તર ગુજરાત અને પાટનગરની સ્‍થિતિ : ઉત્તર ગુજરાતના ડીસા, પાટણ અને સાબરકાંઠા પંથકમાં પણ ઠંડીનો ચમકારો વધશે. રાજયનું પાટનગર ગાંધીનગર ઘણીવાર નલિયા કરતા પણ વધુ ઠંડુ નોંધાતું હોય છે, ત્‍યારે આગામી સપ્તાહે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૩ થી ૧૪ ડિગ્રી રહેવાનો અંદાજ છે.

આગામી સપ્તાહે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૩ થી ૧૪ ડિગ્રી રહેવાનો અંદાજ છે. અમદાવાદમાં પણ રાત્રિનું તાપમાન ૧પ ડિગ્રીની આસપાસ રહેતા શહેરીજનોને ડબલ ઋતુમાંથી મુકિત મળી શુદ્ધ શિયાળાનો અનુભવ થશે.

હવામાન નિષ્‍ણાતો શું કહે છે ? : હવામાન તજજ્ઞોના મતે, ઉત્તર ભારત અને હિમાલયના વિસ્‍તારોમાં થઇ રહેલી હિમવર્ષાની સીધી અસર ગુજરાતના હવામાન પર પડી રહી છે. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા સૂકા અને ઠંડા પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને સૂકી ઠંડીનો પ્રભાવ વધશે. જોકે, કેટલાક નિષ્‍ણાતો નવેમ્‍બરના મધ્‍યમાં અરબી સમુદ્રમાં હળવા બદલાવની શકયતા પણ જોઇ રહ્યા છે, પરંતુ મુખ્‍યત્‍વે આગામી સપ્તાહ ઠંડકભર્યું જ રહેશે.

આમ, આગામી દિવસોમાં ગુજરાતીઓએ ગરમ વષાો બહાર કાઢવા પડશે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ વહેલી સવારે અને રાત્રે ઠંડીથી બચવા સાવચેતી રાખવી જરૂરી છે.

(10:35 AM IST)