News of Friday, 14th November 2025
ડેડિયાપાડા તાલુકામાં પીએમ મોદીના આગમન પહેલાં સ્થાનિકોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ
આદિવાસી બહુલ વિસ્તારમાં વડાપ્રધાનનું આગમન ઐતિહાસિક ક્ષણ ગણાવીને લોકો મોગરા માતાજીના દર્શન સાથે તેમનું પરંપરાગત સ્વાગત કરવા આતુર: ચોખા-કંકુની પત્રિકા સાથે ગામડે ગામડે મોદીનું આમંત્રણ

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પહેલાં સ્થાનિકોમાં અપાર ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. આદિવાસી બહુલ વિસ્તારમાં વડાપ્રધાનનું આગમન ઐતિહાસિક ક્ષણ ગણાવીને લોકો મોગરા માતાજીના દર્શન સાથે તેમનું પરંપરાગત સ્વાગત કરવા આતુર છે. આવતીકાલે યોજાનાર વિશાળ કાર્યક્રમમાં વડાપ્રધાનની હાજરીથી વિસ્તારના વિકાસને નવી દિશા મળશે તેવી આશા સ્થાનિકોમાં જાગી છે.
ડેડિયાપાડામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આદિવાસી સમાજે પરંપરાગત રીતે આમંત્રણ આપવા પ્રભાતફેરીનું આયોજન કર્યું હતું. આ પ્રભાતફેરીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાથે મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ ફેરી દરમિયાન ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘મોદી છે તો મુમકિન છે’ જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. કાર્યકરોએ ગામડે ગામડે પત્રિકા વહેંચીને લોકોને આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ઉમટી પડવા અને વડાપ્રધાનના સંબોધનનો લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી.
આદિવાસી પરંપરા અનુસાર ચોખામાં કંકુ નાખીને પત્રિકા આપવાનો રિવાજ આજે પણ જીવંત છે. આ પ્રસંગને મોટો ઉત્સવ ગણીને નેતાઓ ઢોલ-નગારા અને મંજીરા સાથે ગામલોકોને આમંત્રણ આપી રહ્યા છે. ગ્રામજનોએ હસતા મોઢે પત્રિકાનો સ્વીકાર કર્યો અને વડાપ્રધાનના આગમનને વધાવી લીધું. સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે, આ આગમન ડેડિયાપાડા માટે ઐતિહાસિક છે અને વિસ્તારના વિકાસને વેગ આપશે. દેશપ્રેમ, ભક્તિભાવ અને વિકાસની આશા સાથે સમગ્ર વાતાવરણ એકતા અને ઉત્સાહથી ભરાયેલું છે. આ કાર્યક્રમ ભાજપ માટે પણ ગામડે ગામડે જનસંપર્કનો મોટો અવસર બની રહ્યો છે
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
