<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

ગુજરાતમાં શિયાળાનો ચમકારો: આગામી ૭ દિવસ વાતાવરણ સૂકું, ૧૪°C સાથે નલિયા 'કોલ્ડ સિટી' બન્યું

રાજ્યના ૨૦ જિલ્લામાં પારો ૨૦ ડિગ્રી નીચે, ઉત્તર-પૂર્વના પવનોથી ઠંડી વધશે; રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શીતલહેરનું એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં વિધિવત રીતે ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવા છતાં, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ૭ દિવસ વાતાવરણ સૂકું રહેવાની અને પવનની દિશા ઉત્તર પૂર્વ તરફની રહેવાની સંભાવના છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ હજી વધશે. રાજ્યના લગભગ ૨૦ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો ૨૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જે શિયાળાની ઋતુની તીવ્રતા દર્શાવે છે.
આજે રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં ૧૪.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે તેને ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બનાવે છે. નલિયાની સાથે રાજકોટ (૧૪.૫°C), કંડલા એરપોર્ટ (૧૪.૬°C), કેશોદ (૧૪.૭°C), અને વડોદરા (૧૫.૨°C) જેવા શહેરોમાં પણ ઠંડીનો પ્રભાવ જોવા મળ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૬.૬ ડિગ્રી નોંધાયું છે. ભેજનું પ્રમાણ ઘટતાં સવાર અને સાંજનું વાતાવરણ ટાઢુબોળ બની ગયું છે અને સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે શિયાળો રફતાર પકડી રહ્યો છે.
દરમિયાન, ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ જારી કરાયું છે. રાજસ્થાનમાં તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, જ્યાં સીકરમાં સૌથી ઓછું ૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. મધ્યપ્રદેશના રાજગઢમાં પણ ૭ ડિગ્રી, જ્યારે છત્તીસગઢના પેંડરામાં ૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોએ પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં સામાન્ય કરતાં ૪-૭ ડિગ્રીનો તીવ્ર ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે, જે શીતલહેરની ગંભીર સ્થિતિ સૂચવે છે.

ગુજરાતમાં પણ આગામી છથી સાત દિવસમાં તાપમાન સામાન્ય કરતાં બેથી પાંચ ડિગ્રી ઓછું રહેવાની શક્યતા છે. બદલાતા હવામાન અને તાપમાનના ઘટાડાને ધ્યાનમાં રાખીને લોકોએ પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે.


 

(11:42 AM IST)