News of Sunday, 16th November 2025
રૂ. સરકારી નોકરીની લાલચમાં મિત્રતા અને વિશ્વાસનો ભંગ: ગવર્નરની નકલી સહીવાળો લેટર આપી રૂ.7.5 લાખની છેતરપિંડી
અમદાવાદમાં સનસનાટીભર્યો કિસ્સો: કૌટુંબિક ભાઈ-બહેનની જોડીએ યુવકને નિશાન બનાવ્યો, ચેક પણ બાઉન્સ થયા

અમદાવાદ: અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા અને કરન્સી મેનેજમેન્ટનું કામ કરતા મયુરકુમાર જોષી સાથે તેમના કૌટુંબિક સંબંધી અને મિત્ર દ્વારા જ મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. મયુરકુમારના 15 વર્ષ જૂના મિત્ર કોમલબેન ત્રિવેદી અને આનંદકુમાર ત્રિવેદીએ સરકારી કર્મચારી અને નિમણૂક અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને મયુરકુમારને મનગમતા સ્થળે રૂ.25 લાખમાં સરકારી નોકરી અપાવવાનો પાકો વિશ્વાસ અપાવ્યો હતો. આ વિશ્વાસનો લાભ લઈને ડિસેમ્બર 2024માં બંને આરોપીઓએ એડવાન્સ પેટે રૂ.10 લાખની માંગણી કરી હતી.
આરોપીઓના ભરોસામાં આવીને ફરિયાદી મયુરકુમારે આંગડિયા અને બેંક ટ્રાન્સફર દ્વારા ટુકડે-ટુકડે કુલ રૂ.6,50,000 ની રકમ ચૂકવી આપી હતી. રકમ મળ્યા બાદ આરોપી કોમલબેને 16 જાન્યુઆરી, 2025ના રોજ વોટ્સએપ પર એક 'કોન્ફિડેન્સીયલ' એપોઇન્ટમેન્ટ લેટર મોકલીને વિશ્વાસ વધાર્યો હતો. આ બોગસ લેટર પર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બનાવટી સહી અને ગુજરાત સરકારનો નકલી સિક્કો લગાવેલો હતો, જેથી તે સાચો લાગે. આ લેટરના આધારે વધુ નાણાંની માંગણી થતાં, ફરિયાદીએ વધુ રૂ.1,00,000 ટ્રાન્સફર કર્યા, આમ કુલ રૂ.7,50,000 ચૂકવાયા હતા.
જોકે, લાંબો સમય વીતવા છતાં નોકરી ન મળતા અને એપોઇન્ટમેન્ટ લેટરની ચકાસણી કરતા, તે સંપૂર્ણપણે બનાવટી હોવાનું માલૂમ પડ્યું હતું. જ્યારે ફરિયાદીએ આરોપીઓ સાથે આ અંગે વાત કરી, ત્યારે બંને ભાઈ-બહેને પોતાની છેતરપિંડીની વાત સ્વીકારી લીધી હતી અને સમાધાનના ભાગરૂપે રૂ.7,50,000ની રકમના ચેક આપ્યા હતા. પરંતુ, આ ચેક પણ ફંડ પરત ન હોવાના શેરા સાથે બાઉન્સ થયા હતા.
આખરે, ફરિયાદી મયુરકુમાર જોષીએ છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરનાર કોમલબેન ત્રિવેદી અને આનંદકુમાર ત્રિવેદી વિરુદ્ધ ધોરણસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે. મિત્રતા અને કૌટુંબિક સંબંધોના નામે સરકારી નોકરીની લાલચ આપીને રાજ્યપાલની નકલી સહીનો ઉપયોગ કરી લાખોની છેતરપિંડીનો આ કિસ્સો અમદાવાદમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
