News of Sunday, 16th November 2025
સુરતમાં રોડ રેજનો ખતરનાક કિસ્સો: RTO ઇન્સ્પેક્ટરને જાહેરમાં માર માર્યો, 'ગાડી સાથે સળગાવી દેવાની' ધમકી
હોર્ન મારતા ફિલ્મી સ્ટાઇલમાં કનડગત: 'પોલીસ અમારું શું ઉખાડી લેશે' કહી હુમલાખોરો ફરાર, CCTV ફૂટેજ આવ્યા સામે

સુરત: સુરત શહેરમાં રોડ રેજનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં RTO ઇન્સ્પેક્ટરને બે યુવકોએ ફિલ્મી સ્ટાઇલમાં કનડગત કરીને જાહેરમાં માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. ભાઠાગામ સ્થિત રહેતા RTO ઇન્સ્પેક્ટર તુષાર બાબુભાઈ બારીયા ગુરુવારે સાંજે કાર લઈને ચા નાસ્તો કરવા જઈ રહ્યા હતા ત્યારે શ્રી સ્ટાર ટી સ્ટોલ નજીક ઊભેલા બે મોપેડ ચાલકે તેમની કારને કટ માર્યો, જેના કારણે અકસ્માત થતાં માંડ બચ્યો. ઇન્સ્પેક્ટરે હોર્ન મારતા, મોપેડ ચાલકોએ ઇરાદાપૂર્વક કારની આગળ મોપેડ હંકારી કનડગત કરવાનું શરૂ કર્યું હતું.
ઇન્સ્પેક્ટર તુષારભાઈએ હોર્ન વગાડવાનું ચાલુ રાખતા મોપેડ ચાલકોએ કારની સાઈડમાં આવીને કારમાં લાત મારી. આથી ઇન્સ્પેક્ટરે કાર સાઈડ પર ઊભી રાખી. તરત જ બંને યુવકો કારના આગળના દરવાજા પાસે ધસી આવ્યા અને કાચમાં મુક્કા માર્યા. તુષારભાઈ કારમાંથી ઊતરીને નુકસાન જોવા ગયા ત્યારે મોપેડ ચાલક પૈકી એક જણાએ પાછળથી તેમને પકડી રાખ્યા, જ્યારે બીજા યુવકે તેમના મોઢા પર સાતથી આઠ ફેટ મારી દીધી હતી.
હુમલાખોરોની હિંમત એટલી વધી ગઈ હતી કે, ઇન્સ્પેક્ટરે પોલીસને બોલાવવાની વાત કરી તો તેમણે બેફામ ધમકી આપી. યુવકોએ કહ્યું કે, "તુમ યહાં દુબારા દીખોગે તો તુમકો ગાડી કે સાથ જલા દેંગે, હમ તેરે કો છોડેંગે નહીં." ઘટનાને પગલે ટોળું એકઠું થતાં તુષારભાઈને બચાવી લેવાયા. ઇન્સ્પેક્ટરે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવાનું કહેતા, હુમલાખોરોએ બેફામ ધમકી આપી કે, "પોલીસ કો ફોન કરના હૈ તો કરો, પોલીસ હમારા ક્યાં ઉખાડ લેગી."
પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધાતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે હુમલો કરનાર કોલેજમાં અભ્યાસ કરતા સોમેલ વિજય ગાયકવાડ (ઉ.વ. 22) અને હોટલ મેનેજમેન્ટનું કામ કરતા પ્રેમ સંજય ગાયકવાડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે યુવકોની રોડ રેજ અને ઉદ્ધતાઈ દર્શાવે છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
