News of Sunday, 16th November 2025
ક્રિકેટર બનવાની ઘેલછામાં બે સગીરોએ ઘર છોડ્યું
ઘર છોડી ગયેલા બંને સગીર રાજસ્થાનથી મળ્યાઃમાતા-પિતાને ચિઠ્ઠી લખીને ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા હતા, ભીલવાડામાંથી પોલીસે સગીરોને શોધી કાઢ્યા છે

સુરત : વાલીઓ માટે લાલબત્તી સમાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ક્રિકેટર બનવાની ઘેલછામાં બે સગીરે ઘર છોડ્યું છે. ઘર છોડી ગયેલા બંને સગીર રાજસ્થાનથી મળ્યા છે. માતા-પિતાને ચિઠ્ઠી લખીને ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા હતા. ભીલવાડામાંથી પોલીસે સગીરોને શોધી કાઢ્યા છે.
બાળકોની ક્રિકેટર બનવાની ઘેલછાએ પોલીસ અને માતા-પિતાને દોડતા કર્યા છે. ક્રિકેટર બનવાની ઘેલછામાં ઘર છોડીને ગયેલા ૨ સગીરો છેક રાજસ્થાનથી મળી આવ્યા છે. માતા-પિતાને ચિઠ્ઠી લખી બંને સગીરો ટ્રેન મારફતે મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈથી રાજસ્થાન ભીલવાડા મામાને ત્યાં પહોંચેલા સગીરોને પોલીસે શોધી કાઢ્યા છે.
ઇચ્છાપોર વિસ્તારમાં રહેતા બે સગીરવયના કિશોરો ઘરેથી નીકળ્યા હતા. એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા બંને બાળકોએ માતા-પિતા અને પોલીસને દોડતી કરી હતી. તેઓ ચિઠ્ઠી લખીને ઘરેથી ભાગી ગયા હતા. જેમાં લખ્યું હતું કે, *મમ્મી-પપ્પા મેં જા રહા હું, અપના સપના પૂરા કરને. આપ ચિંતા ના કરે, મેં વાપિસ આ જાઉંગા. કુછ હી સાલો મેં ઔર મુઝે ઢૂંઢને કી કોશિશ ના કરે. આપ જીતના ઢૂંઢોગે મુજે ઉતની હી દિક્કતે હોગી. મેં ઘર વાપિસ આઉંગા, ઈસે મેરા બચપના ના સમજે.*
૧૧ નવેમ્બરે ઇચ્છાપોરમાં બનેલી ઘટના બાદ પોલીસ તપાસમાં લાગી હતી. પોલીસની જુદી-જુદી ટીમોએ ૯૩ જેટલા સીસીટીવી કેમેરા ખંગોળ્યા હતા. ઇચ્છાપોરથી લઈ સુરત રેલવે સ્ટેશન સુધીના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી.
શરૃઆતમાં બંને સગીરો મહારાષ્ટ્ર તરફની ટ્રેનમાં જતા જોવા મળ્યા હતા. પોલીસની ટીમ તાત્કાલિક બાળકોની પાછળ મહારાષ્ટ્ર મુંબઈ તરફ દોડી હતી. પાછળથી બંને બાળકો બોરીવલીથી રાજસ્થાન ભીલવાડાની ટ્રેનમાં બેસી ગયા હતા. રાજસ્થાન ભીલવાડા પહોંચેલી પોલીસને બાળકોનું લોકેશન તેમના મામાના ઘરનું મળ્યું હતું. પોલીસે સગીરોને સુરત લાવી માતા-પિતાને સોંપતા રાહતનો શ્વાસ લીધો હતો. હાલ સમગ્ર મામલે વધુ કાર્યવાહી ઇચ્છાપોર પોલીસ કરી રહી છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
